ઝુંપડા વીજળીકરણ યોજના અંતર્ગત અમદાવાદ અને આણંદ જિલ્લાના લાભાર્થીઓને અપાયુ વીજ જોડાણ
Live TV
-
છેલ્લા બે વર્ષમાં ઝુંપડા વીજળીકરણ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાના 4,167 અને આણંદ જિલ્લાના 3,267 લાભાર્થીઓને વીજ જોડાણ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે રૂ. 215.51 લાખ અને રૂ. 346.48 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ માહિતી વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ આ જવાબ આપ્યો હતો.
તાલુકાવાર માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે અમદાવાદ જિલ્લાના અમદાવાદ સીટી,બાવળા, દસ્ક્રોઇ, દેત્રોજ–રામપુરા, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ અને વિરમગામ એમ 10 તાલુકાના કુલ 4,167 લાભાર્થીઓ અને આણંદ જિલ્લામાં આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજીત્રા, તારાપુર અને ઉમરેઠ એમ 8 તાલુકાઓના કુલ 3,267 લાભાર્થીઓને વીજ જોડાણ આપવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત અમદાવાદ અને આણંદ જિલ્લામાં એક પણ અરજી પડતર નથી, તેમ મંત્રીએ જણાવ્યું હતું.ઊર્જા મંત્રીએ આ યોજના વિશે વિગતો આપતા કહ્યું કે રાજ્યના તમામ વિસ્તારના કોઈ પણ જ્ઞાતિના ગરીબ લાભાર્થીઓ પૈકી શહેરી વિસ્તારના રૂ. 1,50,000 સુધીની વાર્ષિક આવક ધરાવતા તથા ગ્રામીણ વિસ્તારના રૂ. 1,20,000 સુધીની વાર્ષિક આવક ધરાવતા લાભાર્થીઓ આ યોજના હેઠળ ઘર વપરાશનું વીજ જોડાણ મેળવી શકે છે.
આ ઉપરાંત ખેડા, સુરેન્દ્રનગર, વડોદરા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં પણ ઝુંપડા વીજળીકરણ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઘર વપરાશના વીજ જોડાણ આપ્યા હોવાની વિગતો લેખિત પ્રત્યુત્તરમાં જણાવી હતી.