ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્પણ કરી ભાવવંદના
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રખર રાષ્ટ્રવાદી વિચારક તથા ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ ભાવવંદના કરી હતી.
ગુજરાત વિધાનસભા પોડિયમમાં રાખવામાં આવેલા સ્વ. શ્યામાપ્રસાદજીના તૈલચિત્ર સમક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવપુષ્પ અર્પણ કર્યા હતા.મુખ્યમંત્રીએ ડૉ. મુખર્જી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં એક ટ્વિટમાં જણાવ્યું કે, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીરના સંપૂર્ણ વિલીનીકરણ અને સામાન્ય નાગરિક અધિકારો માટે છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કર્યો હતો.એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાનની નીતિ દૂર કરવાનું તેમનું વિઝન આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સાકાર થયું છે. ડૉ. મુખર્જીના વિચારો અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સૌના હ્રદયમાં માતૃભૂમિ પ્રત્યે સમર્પણની જ્યોત સદાય પ્રજવલિત રાખશે એવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા પોડીયમમાં સ્વ. શ્યામાપ્રસાદ મુખર્જીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તે અવસરે વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્યો રીટાબહેન પટેલ,અલ્પેશ ઠાકોર,ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષ દવે તેમજ ઉપ મેયર અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા વિધાનસભા સચિવ પંડ્યા સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.
