પાલિતાણામાં માલધારી પર સિંહણનો હુમલો, મોતના પંજામાંથી જીવતો છુટ્યો
Live TV
-
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે આજે સિંહણના આક્રમક સ્વરૂપના દર્શન થયા હતા. ખેતરમાં કામ કરી રહેલા એક માલધારી પર સિંહણે અચાનક હુમલો કરીને તેમને પંજામાં દબોચી લેતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે આજે સિંહણના આક્રમક સ્વરૂપના દર્શન થયા હતા. ખેતરમાં કામ કરી રહેલા એક માલધારી પર સિંહણે અચાનક હુમલો કરીને તેમને પંજામાં દબોચી લેતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આસપાસના લોકોની સતર્કતા અને સમયસૂચકતાને કારણે માલધારીનો ચમત્કારિક રીતે જીવ બચાવી લેવામાં આવ્યો છે.
શું હતી ઘટના?
ગરજીયા ગામે કાળુભાઈ ગમારા નામના માલધારી પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે જ અચાનક સિંહણે તેમના પર ત્રાટકીને તેમનો પગ પકડી લીધો હતો. સિંહણના આ હુમલાને જોઈને ત્યાં હાજર લોકોના રૂંવાડા ઉભા થઈ ગયા હતા. સિંહણે માલધારીને થોડી ક્ષણો સુધી પંજામાં જકડી રાખ્યા હતા, પરંતુ સદનસીબે સિંહણે તેમને છોડી દેતા કાળુભાઈ ગમારા મોતને માત આપીને પાછા ફર્યા હતા.ઈજાગ્રસ્ત કાળુભાઈ પરમારે જણાવ્યું કે, હું સવારમાં સાડા દસ વાગ્યે મારી ગાયને ઘાસચારો નાખવા માટે જતો હતો. સિંહ આમ બજારમાં બેઠો હતો, તેથી તે અચાનક મારી ઉપર હુમલો કર્યો. પહેલા મારી પીઠ ઉપર મારીને મને પાડી દીધો અને પછી મારો હાથ તેના મોઢામાં લીધો હતો. લગભગ અડધી કલાક પકડી રાખ્યો હતો. મારો બચાવ કરવા મેં એને ખંજવાળ્યો, એટલે તેણે મારો હાથ ઢીલો મૂક્યો અને મેં હાથ કાઢી લીધો. પછી તે મારી ગાય પાછળ સીધો ત્યાં ગયો. આ પ્રકારની પહેલી જ વાર ઘટના બની છે, પશુઓ અને માણસ ઉપર પણ હુમલો કરે છે. બીજા એક માણસની ઉપર પણ હુમલો કર્યો હતો પણ તે ભાગીને નીકળી ગયો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સિંહ માલધારીને જમીન પર દબોચીને બેઠો છે અને આસપાસ ઉભેલા લોકો જોરજોરથી બૂમો પાડી રહ્યા છે. માલધારી પોતાનો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યો છે અને સિંહને હાથ ફેરવતો પણ દેખાઈ છે.સિંહે પગને આંટી મારીને ડણક મારી હતી, લોકોએ પથ્થરના ઘા કર્યા હતા. માલધારીના શરીરના થોડાક ભાગો પર ઈજાઓ થઈ હોવાથી લોહી નીકળતું દેખાઈ છે. આસપાસના લોકો બચાવવા માટે બૂમો પાડી રહ્યાનો અવાજ સંભળાય છે.
તંત્રની કાર્યવાહી
ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના ગ્રામજનોએ દોડી આવીને ઈજાગ્રસ્ત માલધારીને તાત્કાલિક પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. બીજી તરફ, વનવિભાગનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં સિંહણની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોની સુરક્ષા માટે તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
