તંત્ર દ્વારા અંબાજીના મેળામાં દર્શનાર્થીઓને મુશ્કેલી ન પડે તેનું આયોજન કરાયું
Live TV
-
આસ્થાના પરમ કેન્દ્રબિંદુ સમાન યાત્રાધામ અંબાજીમાં 5 મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી મંદિરના વહીવટીહોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. બે વર્ષ બાદ યોજાઈ રહેલા અંબાજીના મેળાને લઈ ગુજરાત અને દેશભરના માઇભક્તોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહનો માહોલ છે ત્યારે ચાલુ સાલે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડવાની ધારણા છે ત્યારે દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સુવિધાઓ, સવલતો અને વ્યવસ્થાઓ સચવાય એ માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ છે જેની જાણકારી આપતાં જિલ્લા કલેકટરએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે કલેકટરએ જણાવ્યું કે બે વર્ષ બાદ યોજાઈ રહેલા અંબાજીના મેળાને લઈ દેશભરના માઇભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ વર્ષે દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થા બનાસકાંઠા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. યાત્રિકોની દર્શન માટેની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તમામ દર્શનાર્થીઓ સરળતાથી માં અંબા ના દર્શન કરી શકે એ માટે બસ સ્ટેશનથી દર્શન માર્ગનું નિર્માણ કરાયું છે. યાત્રિકોના માલસામાન સુરક્ષિત રીતે સચવાય એ માટે લગેજ કેન્દ્રની વ્યવસ્થા ઉભી કરાઇ છે. અંબાજી આવતા રથો સંઘો લાઈન દ્વારા દર્શન માટે પહોંચવા શક્તિગેટથી એન્ટ્રી આપવામાં આવશે. વડીલો, વૃધ્ધો અને દિવ્યાંગજનો માટે દર્શનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલી ન શકનાર અને અશક્ત યાત્રિકો માટે વ્હીલચેરની સુવિધા રાખવામાં આવી છે. શક્તિ ગેટની પાસેના 7, 8 અને 9 નંબરના ગેટ એક્ઝિટ માટે જ્યારે ગેટ નંબર 6 ઇમરજન્સીમાં ઉપયોગમાં માટે રાખવામાં આવ્યો છે.
મેળા દરમિયાન દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ૩૮ જેટલાં આરોગ્ય સુવિધા કેન્દ્રો કાર્યરત કરાયા છે. જ્યારે દર્શનાર્થીઓ માટે 12 પ્રસાદ કેન્દ્રો પર 3,60,000 કિલોગ્રામ પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા: સૌ પ્રથમવાર ફરાળી ચીકીના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છ. યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા માટે એસ.ટી. તંત્રના 4 વિભાગો દ્વારા 700 થી વધુ ટ્રીપનું આયોજન કરાયું છે. દર્શનાર્થીઓની સુરક્ષા માટે પ હજાર પોલીસ કર્મીઓ અને 325 થી વધારે સી.સી.ટી.વી કેમેરા મેળા પર ચાંપતી નજર રાખશે. દર્શનાર્થીઓને લાઈટ એન્ડ સાઉન્ડ શોનું નવું નજરાણું પણ માણવા મળશે.
