દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત્
Live TV
-
વલસાડમાં મેઘરાજા મન મૂકી વરસ્યા છે. વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગણદેવીના દેવધા ડેમના 20 થી વધુ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. તો વરસાદને પગલે વલસાડના વાકલ ગામે નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે.
વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો તેમજ રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો નજરે પડ્યા હતા. જિલ્લાના ધરમપુર, કપરાડા વિસ્તારમાં અન્ય તાલુકાની સરખામણીમાં 6થી 7 ઇંચ વધુ વરસાદ જોવા મળ્યો હતો..તો વાપી જીઆઈડીસીના અમુક વિસ્તારમાં પાણીના ભરાવાના પગલે કામદારોને રજા આપી, કંપનીઓ બંધ કરવામાં આવી હતી. આ સાથે ધરમપુર, કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કોઝ-વે તેમજ ચેકડેમ ડૂબી જતાં વાહનચાલકો તેમજ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો..તો વલસાડ શહેરમાં વરસાદને લઇ ચેકડેમમાં નીર છલકાતા લોકોએ રાહત અનુભવી હતી.
વરસાદને પગલે વલસાડ જિલ્લાના વાકલ ગામે વણઝારા નદી પર નિર્માણાધીન પુલ ધરાશાયી થયો હતો.નદીમાં વધેલા પાણીના પ્રવાહના કારણે બ્રિજ ધરાશાયી થયો હતો.જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.બીજીતરફ ભારે વરસાદને લઇ કોઈ દુર્ઘટના નહીં બને, તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સાથે જ NDRFની ટીમને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તો આ તરફ સુરતમાં પણ મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. ત્યારે સુરત-માંડવીના ગોળધા ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી હતી. જેના પગલે ગોળધા ડેમ ઓવરફ્લો થયો હતો.
સંઘપ્રદેશ સેલવાસમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી.સવારે 9 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં સેલવાસમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો.વરસાદને પગલે મધુબન ડેમમાં પાણીની આવક વધી 30,936 ક્યુસેક મીટર થઈ છે.જ્યારે ડેમની જળસપાટી 66.3 મીટર પર પહોંચી છે. હવામાન ખાતાની આગાહીના પગલે વહીવટી તંત્રના ડિઝાસ્ટર વિભાગ દ્વારા તદેકારીના પૂરતા પગલાં લેવાયા છે. જ્યારે લોકોને દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં ન જવાની અપીલ કરાઈ છે.
