દાહોદમાં બેંકો દ્વારા એક જ પખવાડિયામાં રૂ. 51 કરોડનું ગ્રાહકોને કરાયું ધીરાણ
Live TV
-
અર્થતંત્રને પૂરપાટ ઝડપે દોડાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ક્રેડીટ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત દાહોદ જિલ્લામાં છેલ્લા એક જ પખવાડિયામાં બેંક્સ દ્વારા રૂ. 51 કરોડનું ધીરાણ કરવામાં આવ્યું છે અને આ ધીરાણ હાથોહાથ આપવા માટે અહીં સ્વામિ વિવેકાનંદ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કલેક્ટર ડૉ. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, કોરોના કાળમાં વેપાર ધંધાઓને અસર થઇ છે અને બીજી બાજુએ બેંકોમાં કેશ ડિપોઝીટ રેશિયો ઘટ્યો છે. એનો અર્થ એ થયો કે કોરોનાકાળમાં બેંકો પાસેથી ધીરાણ લેવાવાળાની સંખ્યા ઓછી થઇ છે. હવે, આ બાબતને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને અગ્રતાના વિભાગો જેવા કે કૃષિ, ગૃહ અને નાના ઉદ્યોગોને સામે ચાલીને લોન આપવામાં આવે. તેના અંતર્ગત દાહોદ જિલ્લામાં ક્રેડીટ આઉટરીચ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો હતો. એક જ પખવાડિયામાં વિવિધ ક્ષેત્રમાં રૂ. 51 કરોડ જેટલું ધીરાણ અપાયું છે. મતબલ કે આ સમયગાળા દરમિયાન દાહોદના અનેક લોકોને વેપારધંધા માટે કે ઘર બાંધવા માટે નાણાકીય મદદ મળી છે. ધંધાવ્યવસાય માટે લોન મેળવનારા નાગરિકોને શીખ આપતા ડૉ. ગોસાવીએ કહ્યું કે, સરકારના પ્રયત્નોથી નાણાકીય મદદ મળી છે ત્યારે પોતાનો વ્યવસાય કે ધંધો સારી કરીને પ્રગતિ સાધવાની આ તક મળી છે અને તે માટે સખત તથા સતત મહેનત કરતી રહેવી પડશે.
જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે બેંકર્સને પ્રેરક સૂચન કરતા કહ્યું કે, દાહોદ જિલ્લાની નારીશક્તિ ગૃહ ઉદ્યોગના માધ્યમથી સારી રીતે આર્થિક પ્રગતિ સાધી શકે એમ છે. સખી મંડળો આ માટે કાર્યરત છે. જેમાં રાજ્ય સરકાર મદદ કરે છે. આવા સખી મંડળોને નિયત મર્યાદામાં બેંક તરફથી સમયસર લોન મળે તે જરૂરી છે. તેમણે ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના પણ અમલમાં છે. મહિલાઓનાં સંગઠનની કાર્યક્ષમતા ઉપર બેંક્સ વિશ્વાસ રાખીને ઉદ્દાતભાવે લોન આપે તે જરૂરી છે. મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ બેંક ઓફ બરોડાના એજીએમ રોહિત કુમાર, બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ પારસનાથ પાંડે, બરોડા ગ્રામીણ બેંકના એજીએમ ચંદ્રમોહન શૈલી, લીડ બેંકના મેનેજર સુરેશ બારિયા તથા રજનીકાંત મુનિયા ઉપસ્થિત રહ્યા હતા.