દિલ્હીમાં બ્લાસ્ટ, ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં ચેકિંગ
Live TV
-
દિલ્હીમાં ચાલતી કારમાં થયેલા વિસ્ફોટની ઘટના બાદ સમગ્ર ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ થઈ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, મહિસાગર, ભાવનગર, ખેડા, ડાંગ સહિતના શહેરોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ મુખ્ય શહેરોમાં હાઈ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં હાઈ એલર્ટના પગલે રાત્રે SG હાઈવે, વાડજ, ખાડિયા સહિતના જુદા જુદા વિસ્તારોમાં પોલીસે સઘન વાહન ચેકિંગ કર્યું હતું.
દિલ્હી બ્લાસ્ટની ઘટનાને પગલે સુરત શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ સુરતના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર બેરીકેટિંગ કરી વાહનોની તપાસ શરૂ કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં જુના અપરાધીઓ અને શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે જ લોકોને પણ અપીલ કરાઈ છે કે તેઓના ધ્યાનમાં કોઈ શંકાસ્પદ ધ્યાનમાં આવે તો તરત જ પોલીસને જાણ કરે.
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટથી રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ કોમ્બિંગ અંગે આદેશ આપ્યા. DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ ચેકીંગની કામગીરીમાં જોડાશે. નાકાબંધી કરીને વાહન ચેક કરવા સહિતની બાબતો અંગે સૂચના અપાઈ હતી. રાજકોટ રેન્જના 5 જિલ્લાને એલર્ટ પર રખાયા. રેન્જ આઇજી અશોકકુમાર યાદવે કહ્યું, આતંકીઓ ઘૂસણખોરી ન કરે તે માટે દરિયા કિનારા વિસ્તારોમાં ખાસ એલર્ટ અપાયું છે.
રાજ્યમાં હાલમાંજ 3 આતંકીઓ પકડાયા બાદ પણ સુરેન્દ્રનગર , રાજકોટ ,મોરબી, દ્વારકા અને જામનગરમાં એલર્ટ અપાયું હતું. કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ કે વાહન જણાઈ તો સ્થાનિક પોલીસને જાણ કરવા રેન્જ IG અશોકકુમાર યાદવે અપીલ કરી.
ભાવનગર પોલીસની SOG ટીમે રેલવે સ્ટેશન, એસટી ડેપી, મોલ, શહેરના પ્રવેશદ્વારો સહિતની વિવિધ જગ્યાઓ પર ચેકીંગ હાથ ધર્યું. SOG ટીમ, બૉમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સાથે રેલવે સ્ટેશન સહીતની જગ્યાઓ પર દોડી ગઈ. પોલીસે યાત્રિકોના સમાન, પાર્સલ સહીતની વસ્તુઓનું ચેકીંગ કરાયું. પોલીસે યાત્રિકોને શંકાસ્પદ વસ્તુઓ કે બેગ, થેલા મળે તો પોલીસને જાણ કરવા સૂચના આપી. કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ લાગે તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો.
દિલ્હી બ્લાસ્ટની ઘટનાને પગલે મહીસાગર જિલ્લા પોલીસ પણ સક્રિય બની છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મહિસાગર જિલ્લા મથક લુણાવાડા સહિત સમગ્ર જિલ્લામાં વિવિધ જાહેર સ્થળો, હાઈવે માર્ગો અને મહત્વપૂર્ણ ચાર રસ્તા પર વાહન ચેકિંગ હાથ ધરાયું છે. મહીસાગરનાં DySP કમલેશ વસાવા અને તેમની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું. આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં આવેલી ગુજરાત-રાજસ્થાન સરહદ પરની ચેકપોસ્ટ પર પણ સુરક્ષા વધારી દેવાઈ છે.
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે , રેલ્વે સ્ટેશન ઉપર આવતા જતા મુસાફરો તેમજ અન્ય સ્થળો પર રેલવે RPF, રેલવે હોમગાર્ડ તથા રેલવે પોલીસ સંયુક્ત રીતે સઘન તપાસ કરવામાં આવી હતી. રેલવેમાં મુસાફરી કરતા વ્યક્તિઓની ટિકિટની કરાઈ હતી તપાસ , તેમજ સામાનની તપાસ કરવામાં આવી હતી.
મોરબીની અલગ અલગ હોટલમાં અને વાહનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. મોરબી જિલ્લાનાં મોરબી, માળિયા, વાંકાનેર, ટંકારા અને હળવદ તાલુકામાં ચેકીંગ કરાયું. મોરબી જિલ્લાની તમામ પોલીસ સ્ટેશનની ટીમોએ ચેકીંગ હાથ ધર્યું.
ડાંગ પોલીસે સાપુતારા ચેકપોસ્ટ ખાતે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું. સાપુતારા પ્રવેશતા માર્ગ પર પોલીસે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું.
