પિયત અને બિનપિયત ખેતીમાં સમાન સહાય આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય
Live TV
-
ગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર-2025માં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં નુકસાન થયું હતું. આ નુકસાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રૂ. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી.
આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના ધારાધોરણો મુજબ 33 ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં બિનપિયત પાક માટે રૂ. 12,000 પ્રતિ હેક્ટર અને પિયત પાક માટે રૂ. 22,000 પ્રતિ હેક્ટર તેમજ બહુવર્ષાયુ પાકો માટે રૂ. 27,500 પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી હતી.
કૃષિ મંત્રીએ આ સંદર્ભે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અસરગ્રસ્ત વિસ્તારમાં નુકસાનની તીવ્રતાને ધ્યાને લઈને સહાયમાં વધારો કરવા અંગે રજૂઆત કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બાબતે ઊંડાણપૂર્વક રસ લઈને ખેડૂતોના હિતને તેમણે પ્રાધાન્ય આપ્યું હતું. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારના વિવિધ ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ પણ સહાયમાં વધારો કરવા રાજ્ય સરકારને રજૂઆત કરી હતી.
આ રજૂઆતને હકારાત્મક વાચા આપતા મુખ્યમંત્રી CMએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બિનપિયત અને પિયત પાક બંનેને એક સમાન રૂ. 22,000 પ્રતિ હેક્ટર સહાય 2 હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે.
વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદમાં પાણી ભરાયેલા હોય તેમજ રવિ ઋતુમાં વાવેતર થઈ શકે તેમ ન હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં રૂ. 20,000 પ્રતિ હેક્ટર લેખે 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકે તે માટે આજે તા. 11 નવેમ્બરથી આગામી 15 દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામના VCE/VLEના માધ્યમથી સમયમર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
