દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત અંગે નીતિ ઘડવા સમિતિ રચાઈ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા અંગે યોગ્ય નીતિ ઘડવા માટે પાંચ સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી છે.
મુખ્ય સચિવની અધ્યક્ષતાવાળી આ સમિતિમાં સામાન્ય વહીવટ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કચેરીના કમિશનરનો સમાવેશ કરવામાં આવ્યો છે.સમિતિ ભારત સરકારની સૂચનાઓ, પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના સંબંધિત ચુકાદાઓનો અભ્યાસ કરશે. સાથે જ અન્ય રાજ્યોમાં દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અપાતી અનામત અંગેની નીતિઓ અને જોગવાઈઓનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવશે.
દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા માટેની યોગ્ય નીતિ, અનામતની ટકાવારી અને તેના અમલ માટે જરૂરી પગલાં અંગે સમિતિ સરકારને વિગતવાર ભલામણો કરશે. જરૂરિયાત મુજબ વિવિધ વિભાગો અને કચેરીઓ પાસેથી માહિતી તથા અભિપ્રાય પણ મેળવવામાં આવશે.
સરકારના આ નિર્ણયથી દિવ્યાંગ કર્મચારીઓ માટે બઢતીની તકો અને કારકિર્દીમાં સમાન અવસર અંગે નવી આશા જાગી છે.
