રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ગુજરાતના 34 જિલ્લાઓમાં ‘સ્પેસ ક્વિઝ’નું આયોજન
Live TV
-
ભારતના ચંદ્રયાન-3ના ઐતિહાસિક સફળ ઉતરાણની યાદમાં 23 ઑગસ્ટે ઉજવાતા રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં ‘સ્પેસ ક્વિઝ’નું આયોજન કરવામાં આવ્યું છે.
23 ઑગસ્ટે સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રો (CSC) અને પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો (RSC)ના નેટવર્ક દ્વારા ક્વિઝ યોજાશે. ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે આયોજિત આ ક્વિઝમાં કોઈ નોંધણી ફી રહેશે નહીં.ક્વિઝમાં ભારતીય અવકાશ કાર્યક્રમ, ISRO, ચંદ્રયાન, ઉપગ્રહો, અવકાશ ટેક્નોલોજી, મૂળભૂત અવકાશ વિજ્ઞાન, ભારતની અવકાશ સિદ્ધિઓ અને ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોના યોગદાન અંગે પ્રશ્નો પૂછવામાં આવશે.
GUJCOSTના ડાયરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ ડી. જાડેજા, IASએ જણાવ્યું હતું કે ક્વિઝનો હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા, નવીનતા અને અવકાશ વિજ્ઞાન પ્રત્યે રસ વધારવાનો છે. ક્વિઝમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે, જ્યારે પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણપત્ર મળશે.દરેક જિલ્લામાંથી ટોચના ત્રણ વિદ્યાર્થીઓને તેમના પરિવાર સાથે ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદની નિઃશુલ્ક મુલાકાતની તક મળશે. વિદ્યાર્થીઓ નજીકના RSC અથવા CSCનો સંપર્ક કરીને ક્વિઝમાં ભાગ લઈ શકશે. અમદાવાદ જિલ્લાના વિદ્યાર્થીઓ ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાનારી ક્વિઝમાં ભાગ લઈ શકશે.
