દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં સાડા 7 ઇંચ વરસાદ ખાબક્યો
Live TV
-
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ આજે ધમાકેદાર બેટિંગ કરી છે .સવારથી દ્વારકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે દ્વારકાના ખંભાળિયામાં બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકતા દ્વારકાની શેરીઓમાં નદીઓ વહેવા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સાથે જ આકરી ગરમીથી રાહત મળતા સ્થાનિકો ખુશખુશાલ થઈ ગયા હતા. સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પડ્યો હતો. અહીં બે ઇંચ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
રાજયમાં સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 16 તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. તેમાં પણ ખંભાળિયામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે . સાથે જ પોરબંદરમાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં તેમજ ખાસ કરીને દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેમજ રાજ્યમાં આગામી અઠવાડિયામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી છે.
અમરેલી જિલ્લાના કુંકાવાવ, બાબરા અને લીલિયામાં વરસાદી માહોલ સર્જાયો હતો. ભારે ગરમી અને બફારા બાદ પડેલા લીલિયા પંથકના કણકોટ, નાના રાજકોટ ગામમાં તેમજ અમરેલીના શહેરી વિસ્તારમાં વરસાદ પડતા લોકોને બફારામાંથી રાહત મળી હતી. તો વાવેતર કરેલા પાક ઉપર વરસાદી પાણી પડતા ખેડૂતો પણ આનંદિત થઈ ગયા હતા.
