દેશને આત્મનિર્ભર બનાવવામાં યુવાનોનું મહત્વનું યોગદાન: કૃષિમંત્રી રાઘવજી પટેલ
Live TV
-
કૃષિ મંત્રી રાઘવજી પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે "વર્તમાન સમયમાં સ્વાવલંબનની આવશ્યકતા" વિષયે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિધાર્થીઓ કે જેઓ હાલમાં પોતાનો કૃષિ વ્યવસાય કરી રહ્યા છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કૃષિમંત્રીએ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલી સંબોધતા કહ્યું કે, દેશને આત્મનિર્ભર બનાવવામાં યુવાનોનું મહત્વનું યોગદાન રહેલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આજે દેશ વિવિધ ક્ષેત્રે નવા-નવા આયામો સિદ્ધ કરી રહ્યો છે. વિવિધ મશીનરીઓનું ઉત્પાદન, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું ઉત્પાદન, કૃષિ સંલગ્ન સાધનોનું ઉત્પાદન તથા કૃષિ પેદાશો વગેરે અનેક ક્ષેત્રોમાં દેશ આત્મનિર્ભર બની રહ્યો છે. રાઘવજી પટેલે ઉમેર્યું કે, આજે દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જે પ્રસંશનીય બાબત છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી વિવિધ યોજનાઓ પણ અમલી બનાવવામાં આવી છે. દેશમાં સ્વરોજગારીની મહત્તમ તકોનું સર્જન થયું છે.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણે યુનિવર્સિટીમાં સ્વાવલંબન ક્ષેત્રે કરવામાં આવેલ કામગીરીની ઝાંખી આપી હતી અને યુવાનોને પ્રધાનમંત્રીનું 'આત્મનિર્ભર ભારત'નું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્ય વક્તા કશ્મીરી લાલ જીએ કહ્યું કે, ભારતે પોતાનું ચંદ્રયાન સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતારીને વિશ્વને પોતાની શક્તિનો પરિચય આપ્યો છે. વિશ્વમાં સૌથી વધુ યુવાધન ભારત પાસે છે. ભારતના યુવાઓ નોકરી મેળવવા કરતા નોકરી આપનાર બનશે તો આવનારા સમયમાં દેશને વિશ્વની મહાસત્તા બનતા કોઇ રોકી શકશે નહી.
