દેશમાં પ્રથમ વખત જામનગર ખાતે કિચડીયા પક્ષીની કરાશે ગણતરી
Live TV
-
જામનગરનાં મરીન નેશનલ પાર્ક- મરીન સેન્ચુરી વિસ્તારમાં આશરે 300થી વધારે પ્રજાતિના સ્થાનિક-યાયાવર પક્ષીઓનું રહેઠાણ છે. આવતીકાલે તારીખ 03થી 05 જાન્યુઆરી 2025 દરમિયાન દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓની ગણતરી-સેન્સસ યોજાવાની છે.
આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા તજજ્ઞો વકતવ્યો આપશે. બીજા દિવસે પક્ષીઓની ગણતરી કરાશે. ત્રીજા દિવસે નોલેજ શેરીંગ અને સમાપન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ પક્ષી પ્રેમીઓ, તજજ્ઞો અને સંશોધકો ઉપસ્થિત રહેશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત-BCSGના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવશે. BCSG પક્ષીઓ માટે છેલ્લાં 25 વર્ષથી ગુજરાતમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા છે. જે પક્ષીઓનું સંરક્ષણ, ગણતરી, નિરીક્ષણ તથા પક્ષીઓ પાછળનું વિજ્ઞાન અને તે અંગેની જન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરે છે. ઓખાથી નવલખી સુધી અંદાજીત 170 કિલોમીટર લાંબા દરિયાકિનારા પર ખાસ પસંદ કરાયેલા સ્થળોનો સમાવેશ કરાયો છે. આલ્ગી, દરિયાઇ શેવાળ, વાદળી, ડોલ્ફીન, કાચબા જેવા જળચર પ્રાણી તેમજ ચેરના વૃક્ષોનો સમૃદ્ધ વરસો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં સ્થાનિક-યાયાવર પક્ષીઓ આ દરિયાઈ વિસ્તારમાં વિચરણ કરે છે.
રાજ્ય સરકાર પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે અનેકવિધ કાર્યો કરી રહી છે. સ્થાવર પક્ષી તેમજ વિશ્વભરમાંથી આવતા યાયાવર પક્ષીઓની વિવિધ પ્રજાતીઓની ઓળખ, તેમની સંખ્યા વગેરેની માહિતી મેળવવા વન વિભાગે દ્વારા વૈજ્ઞાનિક ઢબે પક્ષી વસ્તી અંદાજ પણ કરવામાં આવે છે. જેના થકી સંપૂર્ણ માહિતી મેળવી પક્ષીઓના યોગ્ય સંરક્ષણ અને સંવર્ધન માટેના નિર્ણય લેવામાં આવે છે.
આ ઉપરાંત પક્ષીઓના વસવાટ માટેના નવા વિસ્તારોની ઓળખ, પક્ષીઓની વિવિધ પ્રજાતિઓની ઉપસ્થિતી વિશેની માહિતી, તેમની સંખ્યા, વસ્તી ગીચતા અને આવાગામન માટેનો યોગ્ય સમય જેવા વિવિધ પાસાઓને પણ આવરી લેવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ વન - પર્યાવરણ મંત્રી મુળુ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની આગેવાનીમાં વન વિભાગ દ્વારા પર્યાવરણ અને જળચર સંરક્ષણ માટે અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. પરિણામે ગુજરાતે આજે દેશભરમાં વન-પર્યાવરણ ક્ષેત્રે આગવી ઓળખ સ્થાપિત કરી છે.