દ્વારકા : આહીર સમાજની મહિલાઓએ મહારાસનો રેકોર્ડ બનાવ્યો
Live TV
-
દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલા રૂકમણી મંદિર પાસે આવેલા નંદગાંવમાં આજે અખિલ ભારતીય મહારાસ સંગઠનના કાર્યક્રમમાં આહિર સમાજની મહિલાઓએ રેકોર્ડ સર્જ્યો હતો. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ 37 હજારથી વધુ મહિલાઓએ આહિરાણી મહારાસ કર્યો હતો. દેશ-વિદેશના હજારો લોકો આ અનોખા કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.
સમાજની હજારો મહિલાઓએ સાથે મળીને પરંપરાગત પોશાક પહેરીને અને ગળામાં સોનાના ઘરેણા પહેરીને નવલખી ચુંદડી સાથે વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. જેને જોવા માટે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને દુબઈથી લોકો આવ્યા હતા. સવારે પાંચ વાગ્યાથી લોકો અહીં આવવા લાગ્યા હતા. પ્રથમ પ્રવચન બ્રહ્મા કુમારીએ આપ્યું હતું. આ પછી મેદાનમાં ધાર્મિક ધ્વજ અને ત્રિરંગો ફરકાવ્યો હતો.
આહીર સમાજની મહિલાઓએ મહારાસ ગરબા કરી રાસ સ્વરૂપે દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં અર્પણ કર્યા હતા. દ્વારકાના આંગણે આ એક વર્લ્ડ રેકોર્ડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વ્રજમાં ગોપીઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણનું નૃત્ય વિશ્વ પ્રસિદ્ધ છે. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણની પુત્રવધૂ અને બાણાસુરની પુત્રી ઉષા રાસ રમાઈ હતી. આ પછી ગુજરાતમાં ગરબા શરૂ થયા.
લોક દંતકથા અનુસાર, આશરે 550 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ, કચ્છના વ્રજવાણીમાં આહીર સમાજની મહિલાઓ સાથે રાસ રમવા માટે ઢોળીના રૂપમાં આવ્યા હતા. તેમની યાદમાં મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાસની આગલી રાત્રે જાગરણ રાખવામાં આવ્યું હતું. જેમાં માલદે આહીર લિખિત શ્રીકૃષ્ણની લીલાઓ પરનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું.