ધોરણ 10નું 83.86 ટકા પરિણામ જાહેર, વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર મારી બાજી
Live TV
-
ગાંધીનગરના આજોલ કેન્દ્રએ 100 ટકા પરિણામ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10નું 83.86 ટકા પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ છે. આ વર્ષે પરિણામ ગત વર્ષની 82.56 ટકાની સરખામણીએ 1.30 ટકા જેટલું વધ્યું છે. કેન્દ્રવાર જોવામાં આવે તો ગાંધીનગરના આજોલ કેન્દ્રએ 100 ટકા પરિણામ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, દાહોદના મૂનખોસલા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 33.74 ટકા નોંધાયું છે.
જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે આગળ રહ્યો છે, પંચમહાલ જિલ્લાનું પરિણામ 76.42 ટકા સૌથી ઓછું રહ્યું છે. રાજ્યભરમાં 1,697 શાળાઓએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે, જ્યારે 39 શાળાઓમાં એકપણ વિદ્યાર્થી પાસ થયો નથી. 35 હજાર 508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શ્રેષ્ઠ સફળતા નોંધાવી છે. વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર બાજી મારી છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 88.28 ટકા રહ્યું છે, વિદ્યાર્થીઓનું પરિણામ 80.12 ટકા નોંધાયું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 ટકા રહ્યું છે, ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67 ટકા નોંધાયું છે.
વિદ્યાર્થીઓ તેમનું પરિણામ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક લખવાનો કરવાનો રહેશે. ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાઈ હતી. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરીને પરિણામ મેળવી શકશે, ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર મેસેજ કરીને પણ પોતાનું રિઝલ્ટ જાણી શકશે.
વિદ્યાર્થીઓના ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-2026ના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

