નારી સુરક્ષાનું અભેદ્ય કવચ: '181 અભયમ' સેવાના 12 વર્ષ પૂર્ણ, 18 લાખથી વધુ મહિલાઓ માટે બની સંકટ સમયની સાચી સખી
Live TV
-
ગુજરાતની મહિલાઓની સુરક્ષાની કરોડરજ્જુ સમાન ‘181 અભયમ’ મહિલા હેલ્પલાઇને સેવાના 12 સફળ વર્ષ પૂર્ણ કર્યા છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 18.10 લાખથી વધુ મહિલાઓને જરૂરી માર્ગદર્શન અને મદદ પૂરી પાડવામાં આવી છે. અત્યાધુનિક જીપીએસ સજ્જ રેસ્ક્યુ વાન અને મોબાઈલ એપના માધ્યમથી 1.09 લાખથી વધુ મહિલાઓનું જોખમી પરિસ્થિતિમાંથી સફળ રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાન અપાયું છે. 24x7 કાર્યરત આ સેવા આજે ટેકનોલોજી અને સંવેદનાના સમન્વય દ્વારા રાજ્યની નારીઓ માટે એક અભેદ્ય સુરક્ષા કવચ સાબિત થઈ છે.
ગુજરાત એટલે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનો પર્યાય. રાજ્યની પ્રત્યેક મહિલા પોતે સુરક્ષિત અનુભવે અને મુશ્કેલીના સમયે તેને મજબૂત ટેકો મળે તે માટે ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે. આ વર્ષે 8મી માર્ચ, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના રોજ ગુજરાતની મહિલાઓની સુરક્ષાની કરોડરજ્જુ સમાન ‘181 અભયમ મહિલા હેલ્પલાઇન’ પોતાની સફળ સેવાના 12 વર્ષ પૂર્ણ કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ હેલ્પલાઇન આજે માત્ર એક નંબર નથી, પરંતુ લાખો મહિલાઓ માટે ભરોસાનું પ્રતીક બની ગઈ છે.
12 વર્ષની ગૌરવશાળી સફર અને સિદ્ધિઓ
8 માર્ચ 2015ના રોજ ટેકનોલોજી અને સંવેદનાના સમન્વય સાથે શરૂ થયેલી આ સેવાએ છેલ્લા 12 વર્ષમાં અભૂતપૂર્વ પરિણામો આપ્યા છે. અત્યાર સુધીમાં કુલ 18.10 લાખથી વધુ મહિલાઓને જરૂરી સલાહ, માર્ગદર્શન અને કાયદાકીય સહાય પૂરી પાડીને સશક્ત કરવામાં આવી છે. આ સેવા માત્ર ફોન કોલ્સ પૂરતી મર્યાદિત નથી; અત્યંત જોખમી પરિસ્થિતિમાં મુકાયેલી 1,09,886 મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડવામાં આવી છે. આ આંકડાઓ દર્શાવે છે કે જ્યારે પણ કોઈ મહિલા મુશ્કેલીમાં હોય, ત્યારે ૧૮૧ની ટીમ તેની વહારે આવવા હંમેશા સજ્જ હોય છે.
સ્થળ પર જ સુખદ નિકાલ અને કાઉન્સિલિંગ
અભયમ હેલ્પલાઇનની ટીમ માત્ર બચાવ કામગીરી જ નથી કરતી, પરંતુ સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો ઉકેલવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. છેલ્લા 12 વર્ષમાં 2.29 લાખથી વધુ કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા વિવાદોનો સ્થળ પર જ સુખદ નિકાલ લાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, 3.60 લાખથી વધુ કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાને ઘટનાસ્થળે પહોંચીને ત્વરિત મદદ પૂરી પાડી છે. રાજ્યભરમાં દોડતી 59 અત્યાધુનિક જીપીએસ સજ્જ રેસ્ક્યુ વાન એક પ્રકારે ‘મોબાઈલ સુરક્ષા કેન્દ્ર’ તરીકે કાર્ય કરે છે, જે દેશભરમાં એક નવતર પહેલ છે.
ટેકનોલોજી અને સુરક્ષાનો સમન્વય
ડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષાને વધુ સ્માર્ટ બનાવવા માટે ‘181 મોબાઈલ એપ’ વિકસાવવામાં આવી છે. આ એપમાં રહેલા ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મહિલાઓ માટે વરદાન સાબિત થયા છે. કટોકટીના સમયે જો મહિલા ફોન ન કરી શકે, તો માત્ર ફોન હલાવવાથી (Shake કરવાથી) પણ તેનું ચોક્કસ લોકેશન હેલ્પલાઇન સેન્ટર સુધી પહોંચી જાય છે. આ આધુનિક ટેકનોલોજીને કારણે મદદ પહોંચાડવી વધુ ઝડપી અને સચોટ બની છે. 24x7 કાર્યરત આ સેવામાં તાલીમબદ્ધ મહિલા પોલીસ અને કાઉન્સિલર્સની ટીમ સતત ખડેપગે રહે છે.
ગોપનીયતા અને વ્યાપક સેવાઓ
181 અભયમ હેલ્પલાઇનની સૌથી મોટી વિશેષતા તેની ગોપનીયતા છે. મદદ માંગનાર મહિલાની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે, જેથી તે વિના સંકોચે પોતાની વાત રજૂ કરી શકે. આ સેવા માત્ર હિંસા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સાયબર ક્રાઈમ, લગ્ન જીવનના વિખવાદો અને સરકારી યોજનાઓની માહિતી પણ પૂરી પાડે છે. ગુજરાતમાં વસતી અન્ય રાજ્યની મહિલાઓ પણ આ નિ:શુલ્ક સેવાનો લાભ લઈ શકે છે. આજે 181 અભયમ દ્વારા ગુજરાતની નારી ખરા અર્થમાં ‘અભય’ બનીને પ્રગતિના પંથે આગળ વધી રહી છે.
