નીતિ આયોગના માપદંડોમાં નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં મોખરે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
Live TV
-
વિકાસના મજબૂત પાયા ઉપર ગુજરાત સર્વગ્રાહી વિકાસ ક્ષેત્રે અગ્રેસર બની રહે તે દિશામાં કાર્ય થઇ રહ્યું છે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મહુધામાં અંદાજિત રૂ. ૨૧.૪૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ - ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મજબૂત નાણાંકીય વ્યવસ્થાપન વિકાસને વેગ આપે છે, વિકાસમાં નાણાંકીય વ્યવસ્થાપનનો મજબૂત પાયો ગુજરાતમાં છે. નીતિ આયોગના માપદંડોમાં નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. વિકાસની રાજનીતિના વિઝનરી લીડર પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ આપેલી વિકાસની પરિભાષાને આત્મનિર્ભર ગુજરાતના માધ્યમથી આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરવા સરકાર પ્રતિબધ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં નાના - નાના ગામો હોય, શહેરો હોય કે વિસ્તારો હોય તમામ ક્ષેત્રો સુધી વિકાસ પહોંચ્યો છે. વિકાસના મજબૂત પાયા ઉપર ગુજરાત સર્વગ્રાહી વિકાસ ક્ષેત્રે અગ્રેસર બની રહે તે દિશામાં કાર્ય થઇ રહ્યું છે. રાજ્યમાં થયેલા છેલ્લા બે દાયકાના વિકાસને આલેખતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં રસ્તા, વીજળી, પાણી, કૃષિ, શિક્ષણ સહિતના તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. બે દાયકા પહેલા ગુજરાતમાં ધાન્ય પાકોનું ઉત્પાદન ૨૩.૪૮ લાખ મેટ્રિક ટન હતું જે આજે ૮૩.૨૫ લાખ મેટ્રિક ટને પહોંચ્યું છે. તેવી જ રીતે બાગાયતી પાકોનું ઉત્પાદન ૬૨ લાખ મેટ્રિક ટનમાંથી આજે ૨૫૦ લાખ મેટ્રિક ટન થયું છે. શિક્ષણમાં પણ બે દાયકા પહેલા ડ્રોપઆઉટ રેટ ૩૭ ટકા હતો તે ઘટીને આજે બે થી ત્રણ ટકા થયો છે. ઔદ્યોગિક ઉત્પાદન ૧.૨૭ લાખ કરોડ હતું, જે આજે ૧૬ લાખ કરોડ એ પહોંચ્યું છે. ગુજરાતમાં વિકાસની આ પરિભાષા રહી છે.
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, ખેડા જિલ્લામાં માત્ર બે દિવસમાં જ રૂ. ૨૨૧ કરોડના કામોની સાથે ૨૦૦ કરોડની યોજનાઓની જાહેરાત કરી છે. ખેડાના આંગણે આજે સુખનો - વિકાસનો સૂરજ ઉગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન આત્મ નિર્ભર ગુજરાતના સંકલ્પને સિધ્ધ કરવાની સાથે સમાજના તમામ વર્ગ, વયજૂથ તથા તમામ સ્તરના લોકોની સુખાકારીની ચિંતા કરતા મુખ્યમંત્રીએ રાજ્યના વંચિતો, ગરીબો, વિચરતી વિમુક્ત જાતિઓ, મહિલાઓ તથા યુવાનોના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ સુલભ બનાવીને સર્વ સમાજના ઉન્નત વિકાસના ધ્યેયને ચરિતાર્થ કર્યું છે.
