નેશનલ યુનિવર્સિટી, બાંગ્લાદેશના કુલપતિએ NFSU-ગાંધીનગર ખાતે પારસ્પિરક સહયોગ માટે પ્રસ્તાવ રજૂ કર્યો
Live TV
-
નેશનલ યુનિવર્સિટી, બાંગ્લાદેશના કુલપતિ, પ્રો. એએસએમ અમાનુલ્લાહે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરની તા. 13મી ઑક્ટોબર, 2024ના રોજ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર, ભારતે તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું અને તેમને સ્મૃતિચિહ્ન આપીને આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, નેશનલ યુનિવર્સિટી, બાંગ્લાદેશ વિશ્વની દ્વિતીય સૌથી મોટી યુનિવર્સિટી છે, જેમાં 3 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જે 350 કોલેજો ધરાવે છે.
NFSUના કુલપતિ, પદ્મશ્રીથી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે ભાવિ વ્યાપક સહયોગ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી અને નેશનલ યુનિવર્સિટીની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વૈશ્વિક વિકાસમાં નોંધપાત્ર વધારો કરશે. ડૉ. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં વિશિષ્ટ સંશોધન અને નવીનતા માટે આ પ્રકારનો પારસ્પરિક સહયોગ મહત્ત્વનો બની રહેશે.
પ્રો. (ડૉ.) એસ.ઓ જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU- ગાંધીનગરએ નેશનલ યુનિવર્સિટીના કુલપતિને NFSUની વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા. પ્રો. જુનારેએ વધુમાં જણાવ્યું હતું કે નેશનલ યુનિવર્સિટીના કુલપતિની મુલાકાતનો હેતુ શૈક્ષણિક, સંશોધન, ટ્રેનિંગ, કન્સલ્ટન્સી અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રોમાં વ્યાપક સહયોગ માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નેશનલ યુનિવર્સિટીના કુલપતિએ ફોરેન્સિક સાયન્સ અને સાયબર-સિક્યોરિટી ક્ષેત્રે શૈક્ષણિક અને ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવા માટે NFSUના તકનીકી અને વૈજ્ઞાનિક સહાય માટે વિનંતી કરી હતી. NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે તમામ સહયોગ માટેની ખાતરી દર્શાવી હતી. નેશનલ યુનિવર્સિટીના કુલપતિ વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-એનએફએસયુના વિવિધ સેન્ટર ઓફ એક્સેલન્સની મુલાકાત બાદ અત્યંત ટૂંકા ગાળામાં થયેલા વિકાસથી પ્રભાવિત થયા હતા. મુલાકાત દરમિયાન NFSUની વિવિધ સ્કૂલ્સના ડીન્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.
