ન્યુઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી
Live TV
-
ન્યુઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સ અને પ્રતિનિધિ મંડળે ગાંધાનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત કરી હતી. તેમણે ગુજરાત સાથે એગ્રી બિઝનેસ એન્ડ સેન્ટર ઓફ એક્સલન્સ, મેરિટાઈમ કો.ઓર્ડીનેશન, ફૂડ સિક્યુરિટી, ડેરી ફાર્મિંગ, રિન્યુએબલ એનર્જી તેમજ ગ્રીન હાઈડ્રોજન, ટુરીઝમ જેવા સેક્ટર્સમાં સહભાગીતાની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુઝીલેન્ડ સાથે ગુજરાતની એજ્યુકેશન કોલોબરેશનની સંભાવનાઓના સંદર્ભમાં વાતચીત કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં હાયર એજ્યુકેશન સાથે સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પલોયેબિલિટી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુઝીલેન્ડની કંપનીઝ ગિફ્ટસિટીમાં ફિનટેક સહિતની જે ડિજિટલ ઇકો સિસ્ટમ વિકસી રહી છે તેનો લાભ લેવા આવે તે માટેનું પ્રેરક સૂચન પણ કર્યું હતું. ભારત પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિશ્વની પાંચમી મોટી આર્થિક મહાસત્તા બન્યું છે અને હવે તેમાં ત્રીજા સ્થાને પહોંચવાનો સંકલ્પ છે તે દિશામાં આ વાઇબ્રન્ટ સમિટ માઇલસ્ટોન બનશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
ગુજરાત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સહયોગનો સેતુ વધુ સુદ્રઢ કરવા સતત પરામર્શ માટે જોઈન્ટ કો. ઓપરેશન કમિટીની રચના માટે પણ આ બેઠકમાં વિચાર-પરામર્શ થયો હતો. મુખ્યમંત્રીએ ન્યુઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરને કચ્છી ભરતનો વોલપીસ અને શૉલ સ્મૃતિભેટ રૂપે અર્પણ કરી હતી.
