પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ લીધી શંખેશ્વર, સમી અને હારીજ તાલુકાની મુલાકાત
Live TV
-
૧૫મા નાણાપંચના પૂર્ણ કામોમાં ઓનલાઇન ચુકવણા તાત્કાલિક કરવા જિલ્લા વિકાસ અધિકારીએ તાકીદ કરી
સરકારની વિવિધ યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લોકોને મળે તે હેતુથી વિવિધ કલ્યાણકારી યોજનાઓ નો અમલ જિલ્લામાં ચાલી રહ્યો છે. યોજનાકીય કામગીરીની સમીક્ષા માટે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ શંખેશ્વર, સમી અને હારિજ તાલુકા પંચાયતની મુલાકાત લીધી હતી. તેમજ અડીયા અને જેસડા ગામોની મુલાકાત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ અડીયા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ સારવાર અર્થે આવેલા લોકો ની ખબર પૂછી હતી તેમજ કોરોના રસીકરણ ની સમીક્ષા કરી હતી અને બાકી રહી ગયેલા તમામને ઝડપથી રસીકરણ થઈ જાય તે માટે તાલુકા હેલ્થ ઓફિસરને જરૂરી આયોજન માટે સૂચના આપી હતી.
શંખેશ્વર ખાતે તાલુકા પંચાયતની મુલાકાત દરમિયાન ૧૫મા નાણાપંચ અંતર્ગત પૂર્ણ થયેલા કામોની વહીવટી કામગીરી પૂર્ણ કરવા અને પીએફએમએસ મારફત ચુકવણા તાત્કાલિક કરવા માટે તાકીદ કરી હતી. મનરેગા યોજનામાં વ્યક્તિગત લાભાર્થીઓના કામોમાં ઝડપથી તાંત્રિક અને વહીવટી મંજૂરી આપી કામો શરૂ કરવા સમીક્ષા દરમિયાન સૂચના આપી હતી. શંખેશ્વર તાલુકાના જેસડા ગ્રામ પંચાયત ખાતે મુલાકાત કરી હતી અને વેરા વસૂલાત સહિત ૧૫મા નાણાપંચના કામો નું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેઓએ મુલાકાત દરમિયાન પ્રાથમિક શાળા અને આંગણવાડી ની મુલાકાત લઈ શેરી શિક્ષણની માહિતી મેળવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી એ સમી અને હારિજ ખાતે પણ મુલાકાત લઇ વ્યક્તિગત લાભાર્થીઓના કામો ઝડપથી કરવા સુચના આપી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કચેરીની સ્વચ્છતા જાળવવા ભાર મૂકયો હતો અને રેકર્ડ વર્ગીકરણ પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ તબક્કે સમીક્ષા બેઠક દરમિયાન આગામી ૧ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી સરકારના વિવિધ કાર્યક્રમો અંતર્ગત આયોજન ગોઠવવા માર્ગદર્શન કર્યું હતું. તાલુકા પંચાયત ખાતે તમામ સ્ટાફ સમયસર હાજરી આપે અને પોતાના ટેબલ ની કામગીરી તેમજ અરજદારોની રજૂઆતોનો સમયસર નિકાલ કરે તે માટે તાકીદ પણ કરી હતી.
