'પીએમ સૂર્ય ઘર યોજના'માં ગુજરાત દેશમાં મોખરે: 10.84 લાખથી વધુ અરજીઓ સાથે રચાયો નવો ઇતિહાસ
Live TV
-
પ્રધાનમંત્રી મોદીની દૂરંદેશીથી શરૂ કરાયેલી ‘પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ હેઠળ રૂફટોપ સોલાર અપનાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
સરકારના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષના અવિરત કાર્યકાળની સીધી ઝલક આજે ઊર્જા ક્ષેત્રે જોવા મળી રહી છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક 10.84 લાખથી વધુ અરજીઓ સાથે જનભાગીદારીનો નવો ઇતિહાસ રચાયો છે, જે લાખો પરિવારોના વીજ બિલ શૂન્ય કરીને તેમના ઘરનું બજેટ સુધારી રહી છે.આ યોજના હેઠળ મળતા સરકારી પ્રોત્સાહન અને આકર્ષક સબસિડીના કારણે સામાન્ય નાગરિકો માટે સોલાર પેનલ લગાવવી અત્યંત કિફાયતી સાબિત થઈ છે. ગાંધીનગરના સરગાસણમાં રહેતા પ્રશાંત ભટ્ટ સહિત રાજ્યના લાખો પરિવારો આજે સ્વચ્છ ઊર્જાનો લાભ મેળવી રહ્યા છે.યોજનાની સરળતા અંગે માહિતી આપતા કુડાસણના લાભાર્થી અશોકએ જણાવ્યું કે, તેઓએ ₹2.64 લાખના ખર્ચે 5.2 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવી, જેમાં તેમને ₹78,964 ની સબસિડી મળી અને બાકીની રકમ લોન દ્વારા સરળતાથી ઉપલબ્ધ થઈ હતી. તેવી જ રીતે રાયસણના રિમ્પલબેન પટેલના ઘરે આજે એસી, ફ્રિજ અને વોશિંગ મશીન જેવા તમામ સાધનો આ સૂર્ય ઊર્જાથી જ ચાલે છે, જેનાથી વીજ બિલનો આર્થિક બોજ કાયમી માટે નાબૂદ થયો છે.
ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ 'સોલાર મંથ' અને સઘન જનજાગૃતિ અભિયાન ચલાવીને રાજ્યમાં નિર્ધારિત લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 6.92 લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ કાર્યરત થઈ ચૂક્યા છે, જેનાથી 2,487 મેગાવોટથી વધુ હરિત ઊર્જાનું (ગ્રીન એનર્જી) ઉત્પાદન થઈ રહ્યું છે.વહીવટી પારદર્શિતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાન આ યોજનામાં ₹5,123 કરોડથી વધુની સબસિડી ડીબીટી (Direct Benefit Transfer) મારફતે સીધી જ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આ ગ્રીન એનર્જી ક્રાંતિ ઊર્જા સુરક્ષાની સાથે 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપી રહી છે.
