પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરમાં વિશ્વ આરોગ્ય સંગઠનના સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસીનનું ખાતમુર્હૂત કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગરમાં દેશી દવાઓના WHO માન્ય વૈશ્વિક કેન્દ્રનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે મોદીએ કહ્યું કે દુનિયામાં પરંપરાગત ઔષધિનો યુગ શરૂ થયો છે અને દરેક પરિવાર માટે આવી ઔષધિનો ઉપયોગ અનિવાર્ય બને એ દિવસ હવે દૂર નથી. નિરોગી રહેવાનું જ્ઞાન અને જીવનશૈલી આપનો વારસો છે, અને તેનો ઉપયોગ જીવનશૈલીના લીધે ઉત્પન્ન થયેલા રોગને કાબૂમાં રાખવા માટે થઈ શકે છે. નરેન્દ્ર મોદીએ, આ કેન્દ્ર દ્વારા આયુર્વેદ ઉપરાંત, વિવિધ દેશની પ્રાચીન ઉપચાર પધ્ધતિના જ્ઞાનનો સંચય અને દસ્તાવેજીકરણની હિમાયત કરી હતી. તેમણે ઉમેર્યું કે દેશી દવાઓની ગુણવત્તા અને અસરકારકતાને પ્રમાણિત કરતું સર્ટિફિકેશન સેન્ટર પણ જામનગરમાં ખોલવું જોઈએ, જેથી અજાણી દવા અને ઔષધ ઉપર ભરોસો બેસે. પ્રધાનમંત્રીએ આધુનિક દવાઓ સાથે પરંપરાગત ઔષધના ઉપયોગની હિમાયત કરી હતી.
પ્રાસંગિક સંબોધનમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિયામક ડૉ. ટેડ્રોસે આ બહુવિધ સુવિધા કેન્દ્ર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને કહ્યું કે આ એક વૈશ્વિક પ્રોજેક્ટ છે અને તે અનેક દેશના લોકોને મદદ કરશે. મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જગ્ગનાથે આ કેન્દ્ર અંગે ખુશી વ્યક્ત કરી અને જરૂરી તમામ સમર્થન આપવા બદલ મોદીનો આભાર વ્યક્ત કર્યો. બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળના પ્રધાનમંત્રીઓએ વિડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.
જામનગર નજીક ગોરધનપર ખાતે આ કેન્દ્રની સ્થાપના કરવા ગુજરાત સરકારે 35 એકર જમીન વિનામૂલ્યે ફાળવી છે. સમગ્ર વિશ્વમાં દેશી દવા માટેનું આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર બનશે. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ જામનગર પહોંચ્યા બાદ મોદી, 83 વર્ષના જામનગરના ભૂતપૂર્વ રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજાને મળ્યા હતા. જામ સાહેબના પરિવારની સદભાવના સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને યુરોપમાં ફેલાયેલી છે.
