પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટના જામકંડોરણામાં જનસંભાને સંબોધન કર્યું
Live TV
-
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જંગી જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ગુજરાતનો આત્મ વિશ્વાસ આજે બુલંદ છે. ગુજરાતના આંતરિયાળ એવા જામકંડોરણામાં પહેલીવાર કોઈ વડાપ્રધાન આવ્યા હોય તેવો આ પહેલો પ્રસંગ છે. લાખો લોકોની સભામાં તેમણે ગુજરાતની વિકાસગાથા વર્ણવતા કહ્યું હતું કે, “ગુજરાત અને દેશની સરકારના વડા તરીકે કાર્યરત થયાને પોતાને ૨૧ વર્ષ થયા છે અને તેની શરૂઆત રાજકોટથી થઈ છે”. તેમણે કહ્યું હતું કે, કચ્છ-કાઠિયાવાડ અને રાજકોટની જનતાની ભાવનાઓ અને આકાંક્ષાઓને આદેશ માન્યા છે. એ આદેશોને પૂર્ણ કરવામાં પોતાની જાતને ખપાવી છે. પ્રધાનમંત્રી મોદીએ વિકાસની ગાથા વિશે વિસ્તૃત વાત કરતાં જણાવ્યું હતું કે, બે દાયકાઓ પહેલાં ગુજરાત સૂકું ભઠ હતું, દરિયાઈ સીમાઓના વિસ્તાર વિકાસથી વંચિત હતો. જ્યારે આજે ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. વિકાસ આજે જન આંદોલન બની ગયું છે અને રાજકોટ શિક્ષણ હબ બન્યું છે. ગુજરાતના ગામડાના યુવાનો હવે માતૃભાષામાં મેડિકલ અને એન્જીનિયરિંગ ભણી શકશે.
તેમણે કહ્યું હતું કે, રાજકોટ ગુજરાતના ચમકતા સિતારાની જેમ છે. ૨૦-૨૫ વર્ષ પહેલાં કોઈને કલ્પના પણ નહોતી પણ આજે રાજકોટ ઓટોમોબાઇલ હબ બન્યું છે. આજે જમાનો આઈટીનો છે ત્યારે આ ક્ષેત્રમાં ૮૦૦થી વધુ નવા યુનિટ ઊભા કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાતની તમામ ક્ષેત્રોની વિકાસ ગાથા વર્ણવતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતે સમુદ્ર કિનારાને જાગતો કર્યો છે અને બંદરોને દેશના પ્રવેશદ્વાર બનાવ્યા છે. જ્યારે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાજકોટને દુનિયા સાથે જોડશે. એ દિવસો દૂર નથી જ્યારે રાજકોટના કારખાનેદારોને વિમાનના સ્પેર પાર્ટ્સ બનાવવાના ઓર્ડર મળશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે તેમણે કહ્યું હતું કે, પહેલા ઊભા પાક લણાઈ જતા, સાંજે બહેન દીકરીઓની છેડતીઓ થતી, પણ હવે એ દ્રશ્યો બદલાયા છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર-ભૂપેન્દ્રની સરકાર નવી ઉદ્યોગ પોલિસી લાવી છે, જેના કારણે લઘુ ઉદ્યોગકારો માટે બંને હાથમાં લાડુ જેવી સ્થિતિ છે. ઉદ્યોગોને નક્કર દિશા આપતી નવી નીતિ બદલ તેમણે ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, ૪૦ વર્ષ સુધી ખેડુતોએ પાણી માટે વલખાં માર્યા હતા, તેમની જમીન અને જીંદગી સુકી ભઠ થઈ ગઈ હતી. રાહતકામોમાં ખાડા ખોદીને ગુજરાન ચલાવતા હતા. છેલ્લા અઢી દાયકાની વિકાસ યાત્રામાં અમારી સરકારે ખેડુતોની પાણી માટેની તરસને તૃપ્ત કરી છે. ખેડુતોને પાણીદાર બનાવ્યા છે. અત્યારે ગુજરાતનો એગ્રીકલ્ચર ગ્રોથ 9થી 10% નો થયો છે. મા નર્મદાના પાણીના સ્પર્શથી સૌરાષ્ટ્રની ભૂમી પર સોનું ઊગી નિકળ્યુ છે. કપાસ અને મગફળીના પૂરતા ભાવ ખેડૂતોને મળતા થયા છે.
