પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના ગ્રાન્ડ મુફ્તી શેખ અબ્દુલઅઝીઝના નિધન પર શોક કર્યો વ્યક્ત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સાઉદી અરબના ગ્રાન્ડ મુફ્તી અને વરિષ્ઠ વિદ્વાનોની પરિષદના પ્રમુખ શેખ અબ્દુલઅઝીઝ બિન અબ્દુલ્લા બિન મોહમ્મદ અલ અલશેખના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે, તેમણે સાઉદી અરબના લોકો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું, “સાઉદી અરબના ગ્રાન્ડ મુફ્તી શેખ અબ્દુલઅઝીઝ બિન અબ્દુલ્લાહ બિન મોહમ્મદ અલ અલશેખના દુઃખદ નિધન પર ઊંડી સંવેદના.આ દુઃખની ઘડીમાં અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ સાઉદી અરબ અને તેના લોકોની સાથે છે.”શેખનું એક દિવસ પહેલા મંગળવારે 82 વર્ષની ઉંમરે નિધન થયું હતું. સાઉદી અરબના શાહી દરબારે મંગળવાર (સ્થાનિક સમય)ના રોજ સાઉદી પ્રેસ એજન્સી (એસપીએ) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં તેમના નિધનની પુષ્ટિ કરી હતી.
શેખ અબ્દુલઅઝીઝનો જન્મ 30 નવેમ્બર 1943ના રોજ મક્કામાં થયો હતો. 7 વર્ષની ઉંમરે તેઓ અનાથ થઈ ગયા હતા,પરંતુ નાની ઉંમરમાં જ તેમણે કુરાન કંઠસ્થ કરી લીધું હતું. 20 વર્ષની ઉંમરે પોતાની આંખોની રોશની ગુમાવ્યા બાદ પણ તેમણે પોતાનું ધાર્મિક શિક્ષણ ચાલુ રાખ્યું અને બાદમાં શરિયાનો અદ્યતન અભ્યાસ કર્યો.દેશના સર્વોચ્ચ મૌલવી પદ પર પહોંચતા પહેલા તેમણે સાઉદી યુનિવર્સિટીઓની શૈક્ષણિક પરિષદોમાં પણ કામ કર્યું. વર્ષ 1999માં તેમને ગ્રાન્ડ મુફ્તી નિયુક્ત કરવામાં આવ્યા, ત્યારબાદ તેઓ સાઉદી અરબના સર્વોચ્ચ ધાર્મિક અધિકારી બન્યા. તેમણે ફતવાઓ જારી કર્યા અને દેશની ન્યાયિક વ્યવસ્થાને દિશા આપી, જેનાથી બે દાયકાથી વધુ સમય સુધી સાઉદી સમાજને આકાર મળ્યો.
તેમના જનાજાની નમાજ અસ્રની નમાજ પછી રિયાદ સ્થિત ઇમામ તુર્કી બિન અબ્દુલ્લા મસ્જિદમાં પઢવામાં આવશે. શાહી આદેશ અનુસાર, મક્કા સ્થિત ગ્રાન્ડ મસ્જિદ, મદીના અને સાઉદી અરબની અન્ય મસ્જિદોમાં જનાજાની નમાજ અદા કરવામાં આવશે.
