પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાફેશ્વર પ્રોજેક્ટનું કરશે ઉદ્દઘાટન,દાહોદના છેવાડાના ગામોને મળશે પાણી
Live TV
-
નર્મદા નદીના નીરને છોટાઉદેપુરના હાફેશ્વર પાસેથી છેક દાહોદના દક્ષિણમાં આવેલા છેક છેવાડાના 285 ગામ અને એક નગર સુધી પહોંચતા કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત, આ યોજનાથી છોટા ઉદેપુરના 58 ગામો અને 1 નગરને શુદ્ધ પાણી મળ્યું છે. રાજ્ય સરકારના આ મેગા પ્રોજેક્ટ - હાફેશ્વર યોજના થકી આદીજાતિ બહુલ વસ્તી ધરાવતા કુલ 343 ગામો તેમજ બે નગરની 12.48 લાખની વસ્તીની પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા. 20 એપ્રીલે દાહોદનાં ખરોડ ખાતેથી આ યોજનાનું લોકાર્પણ કરશે.
નર્મદા રીવર બેઝીન હાફેશ્વર આધારિત જુથ પાણી પુરવઠા યોજનામાં છોટાઉદેપુરનાં કવાંટ તાલુકામાં આવેલા હાફેશ્વર નજીક નર્મદા નદીના બેઝીનમાં ઉપલબ્ધ જળસંગ્રહનો ઉપયોગ કરી દાહોદનાં દક્ષિણ ભાગમાં દાહોદ તાલુકાના 49 ગામ, ગરબાડાના 34 ગામ, લીમખેડાના 33 ગામો, ધાનપુરના 90 ગામો, દેવગઢ બારીયાના 79 ગામો એમ કુલ 285 દાહોદનાં ગામો તેમજ દેવગઢ બારીયા નગરને તેમજ છોટાઉદેપુરના 58 ગામો તથા 1 નગર તેમ કુલ 343 ગામ અને 2 નગરની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ રાજ્ય સરકારે આણ્યો છે.
હાફેશ્વર યોજના અંતર્ગત બલ્કપાઇપલાઇન તેમજ તે આધારિત 12 જુથ પાણી પુરવઠા યોજનાની જુદી જુદી 12 પાણી પુરવઠા યોજનાઓને 11 પેકેજોમાં વિભાજીત કરી રૂ. 839.87 કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાફેશ્વર યોજના અંતર્ગત છોટાઉદેપુરના હાફેશ્વર પાસે ઇન્ટેક સ્ટ્રકચર ઉભું કરી પાણી પંમ્પ કરી બૂસ્ટીંગ સ્ટેશન દ્વારા સ્ટોરેજ કરી 1560 કિમી લાંબી પાઇપલાઇન ના મારફતે પાણી વહન કરવામાં આવે છે. જેમાં છોટાઉદેપુરના 58 ગામ તેમજ 1 નગર અને દાહોદ જિલ્લાના 285 ગામો અને દેવગઢ બારીયા શહેરને પીવાનું શુદ્ધ પાણી પહોંચશે. છોટાઉદેપુર અને આસપાસના વિસ્તારમાં યોજનાનોં લાભ મળી રહ્યો છે જ્યારે સંપૂર્ણ યોજના હવે સંપન્ન થતા દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારના ગામોમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની યોજના નું લોકાર્પણ વડા પ્રધાન કરવા જઈ રહ્યા છે ત્યારે લોકોમાં ખુશી ની લહેર વ્યાપી ગઈ છે.
