પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9,10 અને 11 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન 14,500 કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. 11 ઓકટોબરે ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જૈનની મુલાકાત લેશે.
9મી ઓક્ટોબરે સાંજે 5:30 વાગ્યે પ્રધાનમંત્રી મહેસાણાના મોઢેરા ખાતે રુપિયા 3900 કરોડ કરતા વધુની કિંમતના બહુવિધ પ્રોજેક્ટસનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંજે લગભગ 6:45 વાગ્યે મોઢેશ્વરી માતાના મંદિરમાં દર્શન અને પૂજા કરશે, ત્યારબાદ સાંજે 7:30 વાગ્યે સૂર્ય મંદિરની મુલાકાત લેશે.
10મી ઓક્ટોબરે સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભરુચમાં 8000 કરોડ રુપિયાથી વધુની કિંમતની કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પરિયોજનાઓને સમર્પિત અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ સાંજે 5:30 વાગ્યે પ્રધાનમંત્રી જામનગર ખાતે 1,460 કરોડના ખર્ચે સિંચાઈ, વીજળી, પાણી પુરવઠા અને શહેરી માળખાકીય સુવિધાઓ સાથે સંબંધિત પ્રોજેક્ટ્સનું સમર્પણ અને શિલાન્યાસ કરશે.
11મી ઓક્ટોબરે બપોરે 2:15 વાગ્યે પ્રધાનમંત્રી અમદાવાદના અસારવાની સિવિલ હોસ્પિટલમાં રુપિયા 1,300 કરોડની વિવિધ આરોગ્યસંભાળ સુવિધાઓ જેવી કે, કાર્ડિયાક કેર માટે નવી અને સુધારેલી સુવિધાઓનું સમર્પણ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં નવી હોસ્ટેલ બિલ્ડિંગ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરની નવી હોસ્પિટલ બિલ્ડીંગ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું નવું બિલ્ડીંગનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ગરીબ દર્દીઓના પરિવારોને રહેવા માટે આશ્રય ગૃહનો શિલાન્યાસ પણ કરશે.
11મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી ગુજરાતમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની યાત્રા કરશે. જ્યાં તેઓ સાંજે લગભગ 5:45 વાગ્યે દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ લગભગ 6:30 વાગ્યે મહાકાલ લોક અર્પણ કરવામાં આવશે અને ઉજ્જૈનમાં 7:15 કલાકે જાહેર કાર્યક્રમ યોજાશે.