પ્રિ-વાયબ્રન્ટ સેમિનાર દરમિયાન રૂ. 4870 કરોડના કુલ 7 MoU સાઇન કરાયા
Live TV
-
રાજ્યની કૃષિ પેદાશો તેમજ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ વૈશ્વિક સ્તરે નિકાસ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં કૃષિ પ્રોસેસિંગના એકમોની સ્થાપના થવાથી ગુજરાતની ખેત-પેદાશોમાં મૂલ્ય-વર્ધનની તકોમાં અભૂતપૂર્વ વધારો થયો છે.
રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ-2022 હેઠળ પણ કૃષિ ફૂડ પ્રોસેસિંગને ‘થ્રસ્ટ સેક્ટર‘ તરીકે ઓળખી કાઢવામાં આવ્યું હતું. આજે ભારતની કૃષિ નિકાસમાં ગુજરાતનો ફાળો વધારે છે. રાજ્યની કૃષિ પેદાશો તેમજ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ વૈશ્વિક સ્તરે નિકાસ કરવામાં આવી રહી છે.
તાજેતરમાં જ આણંદ ખાતે 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધરૂપે ‘એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે ગુજરાતની લોજિસ્ટિક સ્ટ્રેન્થનો લાભ' વિષય પર સેમિનાર યોજાયો હતો. કૃષિમંત્રીના જણાવ્યાં મુજબ,આ પ્રિ-વાયબ્રન્ટ સેમિનાર દરમિયાન રૂ. 4870 કરોડના કુલ 7 MoU સાઇન કરાયા હતા. આ ઉપરાંત ગાંધીનગર ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને વેગ મળે તે માટે રૂ. 3275 કરોડના કુલ 9 MoU સાઇન કરવામાં આવ્યા હતા
કૃષિમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતના કૃષિ ઉત્પાદનો વિવિધતાનો ભંડાર છે. ખેડૂતો દ્વારા ઉત્પાદિત પાકોમાં મૂલ્યવર્ધનની સંભાવનાઓ પુષ્કળ છે. પાકનું મૂલ્યવર્ધન અને માર્કેટિંગ કરી તેને વેચવામાં આવે અથવા નિકાસ કરવામાં આવે તો ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવ ઉપરાંત નવી રોજગારીનું પણ સર્જન થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનથી આ દિશામાં આગળ વધતા ગુજરાત સરકાર હવે ખેડૂતો સાથે કૃષિ ઉદ્યોગોને પણ પ્રાધાન્ય આપશે.