ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયની અમલવારી પહેલી ઓક્ટોબર-2023ની અસરથી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 61,560 કર્મચારીઓને લાભ થશે.
આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ.40,800 થશે. વર્ગ-3ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.19,950થી વધીને રૂ.26,000 થશે. જ્યારે વર્ગ-4ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.16,224 થી વધીને રૂ. 21,100 થઈ જશે.
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વના નિર્ણય અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણયથી રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
