બનાસકાંઠાનાં સૂઈગામમાં નાગાલેન્ડથી આવેલી BSF જવાનોની ટુકડી કોરોના સંક્રમિત
Live TV
-
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે બનાસકાંઠા જિલ્લાનાં સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા 20 જેટલા બીએસએફનાં જવાનો કોરોના સંક્રમિત થયા હોવાની ઘટના સામે આવી છે. નાગલેન્ડથી એક બટાલિયન જવાનોની ટુકડી બનાસકાંઠાનાં સૂઈગામ ખાતે આવી છે. જેમાંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા. જેમાંથી પહેલા 7 જેટલા જવાનોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. બીએસએફ જવાનોનું વધુ ટેસ્ટ કરતા કુલ 20 પોઝીટીવ કેસ આવ્યા છે અને તાત્કાલિક તમામ અસરગ્રસ્ત જવાનોને થરાદની મોડેલ સ્કૂલમાં આઇસોલેટ કરાયા છે.
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી નરેશભાઇ ગર્ગે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં નાગાલેન્ડથી બીએસએફની બટાલિયન 3 તારીખે પાલનપુર પહોંચ્યા હતા અને ત્યાંથી તેમને થરાદ લઈ જવામાં આવ્યા હતા. બીએસએફનો પ્રોટોકોલ હોય છે કે બહારથી આવનાર લોકોના ટેસ્ટ કરવામાં આવે છે જે પ્રમાણે બીએસએફ જવાનોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ટેસ્ટ દરમિયાન કુલ 20 પોઝિટિવ કેસ આવ્યા છે. જવાનોને કયો વેરિયન્ટ છે તે જાણવા માટે આ તમામનાં સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.
