બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ત્રણ શ્રમિકોના મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા
Live TV
-
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ છે. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. મોતનો આંકડો વધવાની શકયાત છે, ત્યારે પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે લોકોનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આજે મંગળવારે (1 એપ્રિલ, 2025) વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં વિસ્ફોટક પદાર્થમાં અચાનક બ્લાસ્ટ થતાં ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. થોડી જ વારમાં આગ આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો.
ફેક્ટરીમાં આગ વિકરાળ બનતા નાસભાગ મચી હતી. જ્યારે દુર્ઘટના સમયે ફેક્ટરીમાં અનેક શ્રમિકો હાજર હતાં, પાંચ જેટલા ઘાયલ મજૂરોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે.જ્યારે આગના બનાવને લઈને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસા નાયબ કલેકટર નેહાબહેન પંચાલ, ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકી, મામલતદાર વિપુલભાઈ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.