બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ભુદરભાઈ ચૌધરી પ્રાકૃતિક ખેતી કરી બન્યા સમૃદ્ધ
Live TV
-
ગુજરાત રાજ્યમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત, બીજામૃત, વાફસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા ગામના ખેડૂત ભુદરભાઇ ખેતાજી ચૌધરી વર્ષ ૨૦૧૨થી આત્મા વિભાગ સાથે જોડાયા હતા. તેમણે વર્ષ ૨૦૧૯થી પ્રાકૃતિક ખેતીને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને તેઓ મબલખ ઉત્પાદન મળી રહ્યા છે. તેમણે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી હતી. તેઓએ પોતાની ૭ એકર જમીનમાં મકાઈ, મગફળી, ઘઉં, બાજરી, વરિયાળી, જામફળ અને ડુંગળી જેવા મિશ્ર પાકોનું વાવેતર કર્યું અને સારા બજારભાવ પણ મેળવ્યા છે. તેઓ ખેતીમાં વાર્ષિક ૬ લાખથી વધુનો નફો મેળવે છે.
જમીનને ફળદ્રુપ બનાવવા તથા જમીનનું સ્તર સુધારવા અને ઉત્પાદન વધારવા માટે ખેડૂતો પાસે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. તેઓ માસ્ટર ટ્રેનર તરીકે પાંચ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી માટે ટ્રેનિંગ આપે છે. તેમણે પોતાના ખેતરમાં સરકાર ની સહાયથી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કર્યું છે જેમાં તેઓ જામફળ,ચીકુ અને લીંબુ જેવા જુદા જુદા બાગાયતી પાકોનું વાવેતર કર્યુ છે. તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત આચ્છાદન, દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર અને ખાટી છાશના ઉપયોગ કરે છે. તેઓ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરે છે.