બિઝનેસમેન ભટનાગરની ઓડી કાર ચોરી મામલે પોલીસે 6 લોકોની કરી ધરપકડ
Live TV
-
હાલ જેલવાસ ભોગવી રહેલા અમિત ભટનાગરની ચોરાયેલી ઓડી કાર ખરીદવા કોંગ્રેસ અગ્રણીના પુત્રે રૂપિયા 2 લાખમાં સોદો કર્યો હતો.
11 બેંકોમાંથી 2654.40 કરોડનો ચૂનો ચોપડનાર અમિત ભટનાગરના નિવાસ સ્થાનેથી ઇડીના અધિકારી હોવાનું જણાવી ઓડી કાર ઉઠાવી જવાની ચકચારી ઘટનામાં એસઓજીએ શહેર કોંગ્રેસ અગ્રણીના પુત્ર સહિત 6 વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ જેલવાસ ભોગવી રહેલા અમિત ભટનાગરની ચોરાયેલી ઓડી કાર ખરીદવા કોંગ્રેસ અગ્રણીના પુત્રે રૂપિયા 2 લાખમાં સોદો કર્યો હતો. બેંકોને ચૂનો ચોપડનાર બિઝનેસમેન અમિત ભટનાગરના ન્યુ અલકાપુરી રોડ ઉપર આવેલા મધુરમ બંગલોઝમાંથી ગત તા.5મીના રોજ સાંજે કેટલાંક અજાણ્યા વ્યક્તિ ઈડીના અધિકારી બનીને આવ્યા હતા.
તેમણે અમિત ભટનાગરના સાસુ રીનાબહેનને ઈડીના અધિકારી તરીકેની ઓળખાણ આપીને ઓડી કાર RTOમાં ઈન્સ્પેક્શનના નામે ઉઠાવી ગયા હતા. કાર ઉઠાવી જનાર વ્યક્તિઓ બંગલોઝ સ્થિત સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઇ ગયા હતા.
દરમિયાન આ કાર બિન વારસી હાલતમાં રાજપીપળા પાસેથી મળી આવી હતી. વડોદરા પોલીસે કાર કબજે કરી લીધી હતી. એસઓજીએ કારનો કબજો લઇ કાર ચોરી જનાર વ્યક્તિઓની CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.
આ કાર ચોરીમાં સામેલ શહેર કોંગ્રેસ અગ્રણી અને માજી વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીના પુત્ર શ્રીકાંત ગાંધી કે જે ગાડીઓની લે-વેચનો ધંધો કરે છે તેના સહિત મિત્ર સંજુ ડાભી, પ્રકાશ નાયડુ, વેરીયસ તેમજ અમિત ભટનાગરના બે ડ્રાઈવર નગીન અને કરશન રાઠવાની પોલીસે ધરપકડ કરી છે.