બોટાદના વેજળકામાં 8 પાસ ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી કરી લાખોની કમાણી
Live TV
-
પોતાની 19 વિઘા જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તમામ ફળો, શાકભાજી ઉપરાંત જીરૂં, વરિયાળી, તલ, મગફળી, શેરડી સહિતના પાકોનું વાવેતર કર્યું છે.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેજળકા ગામના ધોરણ.8 સુધી ભણેલા એક કરણસિંહ ખેડૂત વર્ષ 1995થી ખેતી સાથે સંકળાયેલા છે. બોટાદ જિલ્લામાં આયોજિત પ્રાકૃતિક કૃષિ શિબિરમાં ભાગ લઈને તેમને જાણ્યું કે, 'પ્રાકૃતિક ખેતીનો કોઈ જ વિકલ્પ નથી' પ્રાકૃતિક કૃષિ અંગે જાણકારી મેળવીને વર્ષ 2019થી પોતાના જ ઘરેથી પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી. તેમણે પોતાની 19 વિઘા જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તમામ ફળો, શાકભાજી ઉપરાંત જીરૂં, વરિયાળી, તલ, મગફળી, શેરડી સહિતના પાકોનું વાવેતર કર્યું છે.
કરણસિંહ પોતાના પ્રાકૃતિક કૃષિ અંગેના અનુભવ વિશે જણાવતા કહે છે કે; "રાસાયણિક ખાતરથી મારી જમીનને ગુણવત્તા નબળી પડતી હતી, ત્યારે મને જાણકારી મળી કે ખરેખર તો ગાય આધારિત ખેતી જ કરવી જોઈએ. મેં જીવામૃત બનાવવાનું શરૂ કર્યુ અને મને તેમાં 100% પરિણામ મળ્યું." "અગાઉ મને રાસાયણિક ખાતર અને દવામાં પણ ઘણો બધો ખર્ચ થતો હતો. પ્રાકૃતિક કૃષિથી એકપણ રૂપિયાનો ખર્ચ થતો નથી." "હાલ હું 19 વિઘા જમીનમાં દર વર્ષે 6થી 7 લાખ રૂપિયાનો નફો મેળવું છું.
કરણસિંહે વધુમાં જણાવ્યું હતું કે; “તમામ ખેડૂતો 100% પ્રાકૃતિક ખેતી અપનાવે તો જળ, જમીન, પર્યાવરણ બચી શકશે.”
રાજ્યના ખેડૂતોનું નિરંતર માર્ગદર્શન કરવા બદલ કરણસિંહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો.
