બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાંથી વિવાદિત ભીંતચિત્રો દૂર કરાયા
Live TV
-
છેલ્લા કેટલાક સમયથી સાળંગપુરમાં, હનુમાનજીના ભીંતચિત્રનો વિવાદ ચાલી રહ્યો હતો.
ગુજરાતના સુપ્રસિદ્ધ સાળંગપુર ખાતે, સંકુલમાં બનાવેલા હનુમાનજીની પ્રતિમા આગળ ભીંતચિત્રનો વિવાદ વકર્યા બાદ, ગઈકાલ મોડી રાત્રે વિવાદિત ભીંતચિત્રો દૂર કરાયા હતા. વિવાદિત ભીંતચિત્રોને લઈને સનાતન ધર્મના અનેક સાધુ સંતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી સાળંગપુરમાં, હનુમાનજીના ભીંતચિત્રનો વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનું સુખદ સમાધાન આવે તે માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે બેઠક મળી હતી.
બીજી તરફ ગાંધીનગરમાં બેઠક પૂરી થઈ પછી, અમદાવાદમાં સંતોની બેઠકનો બીજો તબક્કો શરૂ થયો હતો. અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે, વિશ્વ હિંદુ પરિષદ, સનાતન સંપ્રદાયના સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી. જેમાં વિવાદિત ભીંતચિત્રો દૂર કરવાનો અને અન્ય વિવાદો અંગે આગામી બેઠક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.