બ્રહ્માકુમારીઝ દ્વારા માઉન્ટ આબુમાં 'સકારાત્મક પરિવર્તનની કળાથી આનંદમય જીવન' વિષય પર આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં રાજ્યપાલનું સંબોધન
Live TV
-
ગઈ કાલે બ્રહ્માકુમારીના કળા અને સંસ્કૃતિ પ્રભાગ દ્વારા માઉન્ટ આબુમાં 'સકારાત્મક પરિવર્તનની કળાથી આનંદમય જીવન' વિષય પર રાષ્ટ્રીય સંમેલન અને રાજયોગ રિટ્રીટનું આયોજન કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ માઉન્ટ આબુમાં બ્રહ્માકુમારીના વડામથકમાં આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં બોલતાં કહ્યું હતું કે, આધ્યાત્મિક વિકાસ વિના આપણે ભૌતિક વસ્તુઓનો સુયોગ્ય ઉપયોગ નહીં કરી શકીએ. વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એકબીજાના પૂરક બને. વ્યક્તિમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંને હશે તો જ જીવનનો સાચો આનંદ માણી શકાશે. રાજ્યપાલે આ અવસરે જણાવ્યું હતું કે, ભારતના વૈજ્ઞાનિકોના પ્રયત્નોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચંદ્રયાન-૩ના માધ્યમથી ભારતે ચંદ્ર પર પહોંચવામાં સફળતા હાંસલ કરી છે. આજે આદિત્ય એલ-વન મિશન પણ સફળતાપૂર્વક લૉન્ચ થયું છે. વિજ્ઞાન અને ભૌતિકતામાં આપણે ઘણી પ્રગતિ કરી છે. આપણે અધ્યાત્મિક ક્ષેત્રે પણ પ્રગતિ કરવાની છે. બ્રહ્માકુમારી જેવા કેન્દ્રો, સંસ્થાઓ અને સંગઠનો ભારતનો આત્મા છે, જે માનવતાનું મોટું સેવાકાર્ય કરી રહ્યા છે. વધુમાં આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, વેદ-શાસ્ત્રોની ભારતીય સંસ્કૃતિમાં નકારાત્મકતાને કોઈ સ્થાન નથી. આપણું વૈદિક સાહિત્ય હકારાત્મકતાનો ખજાનો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં માત્ર અને માત્ર સકારાત્મક વિચારસરણી છે. આપણી તમામ સમસ્યાઓનું નિરાકરણ સકારાત્મક વિચારો છે. આપણે પહેલા આપણી ભીતરના શત્રુઓ; વાસના, ક્રોધ, લોભ, આશક્તિ અને અહંકાર પર વિજય મેળવવાનો છે. બહારની દુનિયા તો જીતી લઈશું, પણ અંદરના આ શત્રુઓને જીતીશું તો જ એ સાચી જીત હશે.