બ્રિક્સ યુવા પરિષદનું પ્રતિનિધિમંડળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
Live TV
-
ગાંધીનગર ખાતે આયોજિત બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિમંડળના સભ્યોએ તા. 20 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.યુવાનો વચ્ચે પરસ્પર સહકાર, સંવાદ અને જોડાણને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિઓ એકતા નગર પહોંચ્યા હતા. એકતા નગર ખાતે પહોંચેલા બ્રિક્સ યુવા પરિષદના ડેલિગેટ્સે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન તથા ભારતની એકતા અને અખંડિતતાના સંદેશ વિશે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન યુવા પ્રતિનિધિઓએ ભારતની સાંસ્કૃતિક વિવિધતા, વારસો અને વિકાસની ઝાંખી મેળવી હતી.
બ્રિક્સ પ્રતિનિધિમંડળ માટે એકતા નગરના સર્વાંગી વિકાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ, અહીં વિકસાવવામાં આવેલા વિવિધ પ્રવાસન આકર્ષણો તથા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેઝન્ટેશન દરમિયાન પ્રતિનિધિમંડળને એકતા નગર ખાતે વિકાસ અને પ્રવાસન ક્ષેત્રે હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યો તેમજ વિશ્વસ્તરીય પ્રવાસન માળખા અંગે માહિતી આપવામાં આવી હતી.
ત્યારબાદ પ્રતિનિધિમંડળે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન વિવિધ દેશોના યુવા પ્રતિનિધિઓએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, રાષ્ટ્રનિર્માણમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન તથા ભારતની એકતા અને અખંડિતતાના સંદેશને નજીકથી જાણ્યો હતો.બ્રિક્સ દેશોના યુવાનો વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન, પરસ્પર સમજણ, સહકાર અને નવી તકોનું નિર્માણ થાય તેવા હેતુ સાથે યોજાતી આ યુવા પરિષદમાં યુવાનોની વૈશ્વિક ભાગીદારી અને નેતૃત્વને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દ્વારા બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિઓને એકતા નગર ખાતે વિકસાવવામાં આવેલા વિકાસલક્ષી અને પ્રવાસન માળખાને નજીકથી જોવાની તક મળી હતી. વિવિધ દેશોમાંથી આવેલા યુવા ડેલિગેટ્સ માટે આ મુલાકાત ભારતની એકતા, અખંડિતતા, સાંસ્કૃતિક વિવિધતા અને વિવિધતામાં એકતાના મૂલ્યોને સમજવાનો યાદગાર અનુભવ બન્યો હતો.
પ્રતિનિધિમંડળની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર ગોપાલ બામણીયા,નાયબ કલેક્ટર નિરવ પારીતોષ,જિલ્લા યુવા વિકાસ અધિકારી દિલીપ દેસાઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા.
