ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને “મહિલા સંમેલન”નું આયોજન
Live TV
-
ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને “મહિલા સંમેલન” યોજાયું હતું. આ પ્રસંગે મંત્રીના હસ્તે રૂ. 48 લાખના ખર્ચે નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટર ખેડાનું ઈ લોકાર્પણ અને GSPC ના CSR ભંડોળ હેઠળ લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીના ઉપયોગ કરીને દાહોદ, કરાઈ અને ખટામ ખાતે બનાવેલા ત્રણ આંગણવાડીનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
દેશના વિકાસનો આધારસ્તંભ સશક્ત અને સક્ષમ મહિલાઓ છે તેમ જણાવતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, ગુજરાતે શરૂ કરેલી વિકાસયાત્રા નારી શક્તિના બળ થકી વધુ વેગવાન બનશે. સુપોષિત ગુજરાત બનાવવાની દિશામાં દરેક આંગણવાડી કાર્યકરની મહત્વની ભૂમિકા રહેલી છે. મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓનો પોષણ અને સર્વાંગી વિકાસ સર્વોપરી છે. તેમણે “નારી શક્તિ થી રાષ્ટ્ર નિર્માણ” ના દ્રઢ નિશ્ચયને સાર્થક કરવાની શરૂઆત ગુજરાતથી કરી હતી. તેમના આ દ્રઢ સંકલ્પને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યાં છે.