ભારતીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી
Live TV
-
ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 27 ઓક્ટોબરના રોજ મતદારયાદી અંગેની વિગતો પ્રસિદ્ધ કરવામાં આવશે. આ મતદારયાદી કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ બૂથ લેવલ અધિકારી પાસે જોવા મળી શકશે. આ ઉપરાંત મુસદ્દા મતદાર યાદીની સૉફ્ટ કૉપી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર પણ મૂકવામાં આવશે. અમદાવાદ ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી દ્વારા રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય તે માટે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાન્યુઆરી-2024 દરમિયાન ચૂંટણી તંત્ર સાથે સંકલન માટે બૂથ લેવલ એજન્ટની નિમણૂંક કરવા રાજકીય પક્ષોને જણાવ્યું હતું. પાત્રતા ધરાવતા યુવાનોને મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને VSP જેવા ઑનલાઈન પોર્ટલ્સનો મહત્તમ ઉપયોગ કરવા અંગે જાગૃત અને પ્રોત્સાહિત કરવા બૂથ લેવલ એજન્ટ્સ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવે તે માટે અનુરોધ કર્યો હતો.
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાન્યુઆરી-2024ની રૂપરેખા આપતાં સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી.પટેલે જણાવ્યું હતું કે, ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન 4 ઓક્ટોબર શનિવાર, તા.5 ઓક્ટોબર રવિવાર, તા.02 ડિસેમ્બર શનિવાર તેમજ તા.3 ડિસેમ્બર રવિવાર તેમ 4 દિવસ ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યા છે. આ દિવસો દરમિયાન બૂથ લેવલ ઑફિસર્સ સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રુબરુ જોવા માટે મતદારયાદી ઉપલબ્ધ કરાવશે અને સાથે જ મતદારયાદીમાં સુધારો-વધારો, નામ કમી કરવા માટેના ફોર્મ પણ બૂથ પર જ BLOને રૂબરૂ આપી શકાશે. તા.26 ડિસેમ્બર સુધીમાં આ અરજીઓના નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ 5 જાન્યુઆરી, 2024ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.આ ઉપરાંત હાલ રાજ્યના દરેક જિલ્લામાં ચાલી રહેલી EVMના ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી અંગે માન્ય રાજકીય પક્ષોને જાણકારી આપવામાં આવી હતી. રાજકીય પક્ષો દ્વારા અધિકૃત કરવામાં આવેલા પ્રતિનિધિઓ રૂબરૂ હાજર રહી આ કામગીરી નિહાળી શકશે તે બાબતે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ માટે પાત્રતા ધરાવતા મહત્તમ નાગરિકોને મતાધિકાર પ્રાપ્ત થાય, ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય તથા આ તમામ પ્રક્રિયામાં રાજકીય પક્ષોનો સહકાર અને ભાગીદારી વધે તે માટે અમદાવાદ ખાતે યોજાયેલી આ બેઠકમાં માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ચૂંટણી તંત્રને અપેક્ષિત સહકાર આપવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ સાથે મતદાર તરીકેની પાત્રતા અને લાયકાત ધરાવતા તમામ નાગરિકોને નૈતિક જવાબદારીનું નિર્વહન કરી પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ? તે ચકાસી લેવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.
