ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠની ગાંધીનગરમાં ગરિમામય ઉજવણી
Live TV
-
ગાંધીનગર: ભારતીય વાયુસેનાની 93 મી વર્ષગાંઠની ગરિમામય ઉજવણી ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ખાતે કરવામાં આવી હતી.આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
મુખ્યમંત્રીએ વાયુસેના પરિવારને 93 મી વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ હંમેશા દેશનું ગૌરવ વધાર્યું છે.તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુ સેનાનો પાછલો એક દાયકો 'સ્વર્ણિમ દાયકો' બન્યો છે. મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદૂર થકી વાયુસેનાએ જે અપ્રતિમ સાહસ અને પરાક્રમનો પરિચય આપ્યો છે, તેના પર દરેક ભારતીય ગર્વ લઈ શકે તેમ જણાવ્યું હતું. તેમણે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સફળતાપૂર્વક અંતરિક્ષ મિશન પૂર્ણ કરીને જે કીર્તિમાન સ્થાપ્યો છે, તેને આ વર્ષગાંઠની વિશેષ ગૌરવ અપાવનારી ઘટના ગણાવી હતી.
મુખ્યમંત્રીએ SWAC ની વાયુ સીમાની સુરક્ષા ઉપરાંત સામાજિક દાયિત્વ માં પણ યોગદાનની પ્રશંસા કરી.'સ્વાક' (SWAC) સ્વચ્છ ભારત અભિયાન, એક પેડ મા કે નામ, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવા સામાજિક અભિયાનમાં સક્રિય ભાગીદાર રહ્યું છે.તેમણે વાયુસેના પરિવારની મહિલાઓ દ્વારા સંચાલિત સંગઠન 'સંગીની' ની સામાજિક અને કલ્યાણકારી કાર્યોની પણ પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નગેશ કપૂરે સ્વાગત પ્રવચન આપ્યું હતું. મુખ્ય સચિવ પંકજ જોશી, સિનિયર એર સ્ટાફ ઓફિસર એસ. શ્રીનિવાસ સહિત વાયુસેનાના અધિકારીઓ, સૈનિકો અને તેમના પરિવારો સહભાગી થયા હતા. એરફોર્સ બેન્ડની સૂરાવલિઓથી આ ઉજવણી શૌર્યસભર બની હતી.
