ભાવનગરઃ શાળાના શિક્ષકોએ વૃક્ષ પર કર્યું ગણપતિનું સ્થાપન
Live TV
-
દેશભરમાં હાલ ગણપતિ મહોત્સવની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભાવનગરની એક શાળાના શિક્ષકો દ્વારા માટીના ગણપતિનું વૃક્ષ પર સ્થાપન કરવામાં આવ્યું છે.
પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુથી આ પ્રકારે ગણપતિ મહોત્સવની ઉજવણીએ સમાજ માટે એક અલગ રાહ ચીંધી રહી છે. માટીના ગણપતિને ઝાડ પર સ્થાપિત કરી , ઝાડના સંરક્ષણની સાથે સાથે , વૃક્ષ પૂજનનું પણ મહત્વ સમજાવ્યું છે. ઝાડ પર સ્થાપિત આ ગણપતિનું , વિસર્જન કરવાની પણ જરૂર રહેતી નથી. સારા વરસાદમાં માટીના આ ગણપતિનું આપોઆપ વિસર્જન થઇ જાય છે.
આ માટીના ગણપતિમાં ગળો અને લીમડાના બીજ પણ નાખવામાં આવ્યા છે. જેથી ગણપતિના વિસર્જન બાદ માટીમાંથી ફરી આ ઔષધી ઉગી નીકળે. જેથી પ્રકૃતિ અને પર્યાવરણનું આપોઆપ જતન થઇ શકે. વૃક્ષમાં વક્રતુંડ અને વક્રતુંડમાં વૃક્ષનો આ અનોખો પ્રયોગ, પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણની સાથે સાથે લોકોને પોતાના ઘરોમાં વૃક્ષો વાવવા અને તેનું યોગ્ય જતન કરવા પણ પ્રોત્સાહિત કરશે.
