મહિલા સશક્તિકરણ અને 'વોકલ ફોર લોકલ'ના જીવંત સંગમ સમા 'સરસ મેળા'નો જામનગર ખાતે ભવ્ય પ્રારંભ
Live TV
-
સ્વસહાય જૂથો, લખપતિ દીદીઓ અને મહિલા ઉદ્યોગસાહસિકોના વિવિધ ઉત્પાદનો બનશે મુખ્ય આકર્ષણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત', મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં 25 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન 'સરસ મેળો'નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે જામનગર ખાતે પણ જિલ્લા કક્ષાના 'સરસ મેળો-2026'નો ભવ્ય પ્રારંભ થયો છે. જે.એમ.સી. ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક, ઓસવાળ-૩, જામનગર ખાતે યોજાયેલા આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વિરલ માકડીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
તા. 25/09/2026 થી તા. 30/09/2026 દરમિયાન દરરોજ સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લા રહેનારા આ મેળામાં જિલ્લાના પાયાના સ્તરેથી પરિવર્તન લાવી રહેલી મહિલા ઉદ્યોગસાહસિકો, લખપતિ દીદીઓ, સ્વસહાય જૂથો, મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા પોતાના વિશિષ્ટ ઉત્પાદનો અને ઇનોવેશન્સનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે.
આ મેળામાં મહિલાઓ દ્વારા સ્વહસ્તે તૈયાર કરાયેલી પ્રસિદ્ધ જામનગરી બાંધણી, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, ઇમિટેશન જ્વેલરી, આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટ્સ, ઓર્ગેનિક વસ્તુઓ, અગરબત્તી, પેચવર્ક, ડ્રેસ મટીરિયલ તથા ઘર સુશોભનની અવનવી ચીજવસ્તુઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઉપરાંત, સ્વાદિષ્ટ હોમમેઇડ ફૂડ પ્રોડક્ટ્સ જેવી કે અથાણાં, પાપડ અને ખાખરા જેવી ગૃહઉદ્યોગની વાનગીઓ પણ મોટી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મહિલાઓના આર્થિક સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન અને સ્વદેશી મૂલ્યોને પ્રોત્સાહન આપતો આ મેળો જામનગર જિલ્લાની આર્થિક ભાગીદારીને વેગ આપવાની સાથે હજારો મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની નવી પ્રેરણા પૂરી પાડશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરની જનતાને આ સરસ મેળાની મુલાકાત લઈ મહિલા શક્તિના કૌશલ્યને બિરદાવવા અને 'વોકલ ફોર લોકલ'ના સંકલ્પને ચરિતાર્થ કરવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
