મહેસાણા દૂધસાગર ડેરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ભાવમાં વધારો કર્યો
Live TV
-
મહેસાણા દૂધસાગર ડેરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ભાવમાં વધારો કર્યો છે. મહેસાણા દૂધસાગર ડેરી ખાતે આજે વર્ચ્યુઅલ સાધારણ સભા યોજાઈ હતી. સભા દરમિયાન ડેરી અને પશુપાલકોના વિવિધ મુદ્દાઓ પર એજન્ડા રજૂ કરી મહત્વના નિર્ણયો લેવાયા છે. જે અંતર્ગત આગામી 11 જુલાઈથી દુધના પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે પશુપાલકોને હવે દૂધના પ્રતિકિલો ફેટે રૂપિયા 670થી વધારીને 680 રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ પશુપાલકોને આપવામાં આવતા સાગર પશુદાણની કિંમત પણ અગાઉ 50 રૂપિયા ઘટાડો કરી પ્રતિ બેગે 1300 રૂપિયા ભાવ નક્કી કરાયો હતો. તો બીજીતરફ હાલમાં પશુઓના આરોગ્ય સંબંધિત સેવાઓ ઝડપી બનાવવા ડેરી દ્વારા સિંગલ કોલ વિન્ડોની સેવા શરૂ કરાઈ છે. જેમાં એક સાથે ઘણાં કોલ લઈ શકાશે અને પશુઓને ત્વરિત આરોગ્ય લક્ષી સેવા પહોંચાડવામાં આવશે.
