Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં પ્રો પિપલ-પ્રો એક્ટિવ ગવર્નન્‍સનું પ્રેરક દ્રષ્ટાંત પૂરું પાડતું ગુજરાતનું પ્રશાસનિક તંત્ર

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા કલેકટર્સ, જિલ્લા વિકાસ અધિકારીઓની સંબંધિત ગામની મુલાકાતના પ્રતિભાવો સ્થળ પરથી જ મેળવ્યા

    મુખ્યમંત્રી પ્રેરિત આ પ્રો પિપલ - પ્રો એક્ટીવ ગવર્નન્સમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમના જિલ્લામાં આવેલા કોઈ એક તાલુકાના એક ગામની આકસ્મિક મુલાકાત લઈને લોકોને મળતી સેવાઓ-સુવિધાઓ સુપેરે મળે છે કે કેમ તે સુનિશ્ચિત કરે છે. આ નવતર જન હિતકારી અભિગમ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર દાહોદથી દ્વારકા અને અંબાજીથી આહવા એમ સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના એક એક ગામોની ઓચિંતી સ્થળ મુલાકાત માટે જિલ્લાના વહીવટી વડા કલેક્ટર અને ડીડીઓને સૂચના આપવામાં આવી હતી.

    તદઅનુસાર શનિવાર 6 જુલાઈએ સવારથી જ અધિકારીઓ પોતાના જિલ્લાના એક એક તાલુકાના ગામોની મુલાકાતે પહોંચ્યા હતા અને તે ગામમાં આરોગ્ય સુવિધા, શિક્ષણની સગવડો, આંગણવાડી કેન્દ્ર તેમજ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો પરથી અનાજ વિતરણ, મધ્યાહન ભોજન, દૂધ સંજીવની યોજના, ભારતનેટ કનેક્શન અને બેન્કિંગ સેવાઓ સહિતની પાયાની સુવિધા યોગ્ય રીતે ઉપલબ્ધ છે કે કેમ, કોઈ ત્રુટી કે સુવિધા ઉણપ જેવી બાબતનું તલસ્પર્શી સમીક્ષા હાથ ધરી સાચું ચિત્ર મેળવ્યું હતું.

    જ્યાં સુધી કોઈ પણ બાબતને સમગ્રતયા જોવામાં ન આવે ત્યાં સુધી આવી બાબતો, નાની-મોટી કે એકલદોકલ છૂટી છવાઈ જ નજરે પડતી હોય છે. આ હેતુસર મુખ્યમંત્રીએ નવતર પ્રશાસનિક અભિગમ અપનાવીને સરકારની વિવિધ યોજનાઓનું ફિલ્ડ અધિકારીઓ દ્વારા લોકો સુધી જે અમલીકરણ કરવામાં આવે છે, તેની સમીક્ષા અને આકસ્મિક નિરીક્ષણનું પીપલ સેન્ટ્રીક વલણ દાખવ્યું છે.

    રાજ્યના વહીવટી વડા મુખ્ય સચિવ રાજકુમારના માર્ગદર્શનમાં આ માટે જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓને નિયત ચેક લિસ્ટ ફોર્મ આપીને તેમાં સમીક્ષા-નિરીક્ષણના અવલોકનો ભરવા જણાવવામાં આવેલું હતું.

    આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગ, દવાઓનો જથ્થો, ડોક્ટર્સ, સ્ટાફ નર્સ વગેરેની વિગતો, શાળા સંકુલની આનુસંગિક બાબતો, સ્માર્ટ ક્લાસ, હાજરીની નિયમિતતા ઉપરાંત આંગણવાડીની મળવા માળખાકીય સુવિધા અને પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી અપાતા અંત્યોદય તથા અન્ય યોજનાઓના અનાજ સહિત ગ્રામીણ બેન્કિંગ સુવિધા બાબતે પણ આ ચેક લિસ્ટ ફોર્મમાં વિસ્તૃત વિગતો એકત્રિત કરવામાં આવી હતી.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ જિલ્લાના ગામોમાં સેવા સુવિધાઓના સ્થળ નિરીક્ષણ માટે ગયેલા જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરીને તેમના પ્રતિભાવો મેળવ્યા હતા. એટલું જ નહીં સ્થળ પર ઉપસ્થિત ગ્રામજનો સાથે પણ સહજ સંવાદ કરીને સરકારની યોજનાઓ સુવિધાઓ તેમને સુપેરે પહોંચી રહી છે કે કેમ તેની પૂછપરછ પણ કરી હતી. તેમણે જિલ્લા તંત્રવાહકોને આ સંદર્ભમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

    મુખ્ય સચિવ રાજકુમારે ખેડા, ડાંગ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, છોટા ઉદેપુર, કચ્છ, ગીર-સોમનાથ, પાટણ, વડોદરા જિલ્લાઓના કલેક્ટર-ડી.ડી.ઓ. સાથે વાતચીત કરીને તેમની ફિલ્ડ વિઝિટ દરમિયાનની કામગીરી નિરીક્ષણની વિગતો મેળવી હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply