આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો
Live TV
-
સહકારિતા ક્ષેત્રને દેશના અર્થતંત્રનો સૌથી મજબૂત સ્તંભ બનાવી વિકસિત ભારતનું નિર્માણ કરીએ: કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ
ગાંધીનગર ખાતે ૧૦૨મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય કક્ષાનો “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી મુરલીધર મહોલ અને ગુજરાતના સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત દેશભરના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ ગુજરાત સરકારના નિર્ણયને બિરદાવતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ખેડૂતોને નેનો યુરીયા અને નેનો ડીએપીની ખરીદી પર ૫૦ ટકાની વિશેષ સહાય આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પારંપરિક યુરિયાના સ્થાને નેનો યુરીયા અને નેનો ડીએપી પ્રવાહીનો ઉપયોગ કરવાથી યુરિયાનો વપરાશ ઘટશે, જેથી પાક અને જમીનની ગુણવત્તા સાથે માનવ સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો આવશે. નેનો યુરિયાના ઉપયોગથી થતા વિવિધ ફાયદાઓ અંગે વિસ્તૃત વાત કરી તેમણે રાજ્યના દરેક ખેડૂતો નેનો યુરિયાનો ઉપયોગ કરે તે માટે પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો.
સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારિતાને પ્રોત્સાહન આપવા સહકારિતા ક્ષેત્રનો સંપૂર્ણ આર્થિક વ્યવહાર સહકારી ક્ષેત્રમાં જ કરવા કેન્દ્રીય મંત્રીએ સૌને અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતના ૨ જિલ્લાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, “કો-ઓપરેશન અમોન્ગ્સ કો-ઓપરેટીવ” અંતર્ગત ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. માત્ર આ બે જિલ્લામાં જ રૂ. ૭૮૫ કરોડની ડીપોઝીટ વધારવામાં સફળતા મળી છે. આ બંને જિલ્લામાં મળી ઝીરો ટકા વ્યાજે આશરે ૨૩,૦૦૦થી વધુ કિસાન ક્રેડીટ કાર્ડ તેમજ ૩.૮ લાખ RuPay ડેબીટ કાર્ડ ખેડૂત ભાઈઓ અને દૂધ ઉત્પાદન કરતી માતાઓને આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે જૈવિક ઉત્પાદનો એટલે કે, ઓર્ગેનિક ફૂડને પ્રોત્સાહન આપવા નેશનલ કો-ઓપરેટીવ ઓર્ગેનીક્સ લીમીટેડની સ્થાપના કરી છે. આ સંસ્થાના માધ્યમથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને ઉત્પાદન સામે યોગ્ય ભાવ મળતા થયા છે. આજે નેશનલ કો-ઓપરેટીવ ઓર્ગેનીક્સ લી.(NCOL) દ્વારા પ્રથમવાર ‘ભારત ઓર્ગેનિક આટા’નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. હવે ભારત ઓર્ગેનિક અને અમૂલ જેવી બે વિશ્વસનીય બ્રાંડ છે, જે સાચા અર્થમાં ઓર્ગેનિક ફૂડને પ્રોત્સાહન આપે છે. આ બંને બ્રાન્ડના ફૂડ ૧૦૦ ટકા ઓર્ગેનિક છે તેની પુષ્ટિ વિશ્વની સૌથી આધુનિક તકનીકના માધ્યમથી કરવામાં આવી છે. અમૂલે પણ આજે દિલ્હી ખાતે દેશના સૌ પ્રથમ અમૂલ ઓર્ગેનિક સ્ટોરનો શુભારંભ કર્યો છે. આગામી સમયમાં અમૂલ દેશભરમાં વધુ ૧૦૦ અમૂલ ઓર્ગેનિક સ્ટોર શરૂ કરશે.
અમીત શાહે જણાવ્યુ કે, આજે નાફેડ, ઇફકો, અમૂલ, ક્રિભકો જેવી વિવિધ સહકારી સંસ્થાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઇ રહી છે, પણ તેનાથી સંતોષ કરવાની જરૂર નથી. આવતા પાંચ વર્ષમાં ભારત દેશમાં સહકારિતાનો એટલો મજબૂત પાયો નાખીએ કે, આવતા ૧૨૫ વર્ષ સુધી સહકારિતા દરેક ગામ અને ઘર સુધી પહોંચે. સરકારે સહકારિતાને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. સહકારિતા માધ્યમથી ભારત સરકારે મકાઈની ખેતી કરતા ખેડૂતોની સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મકાઈના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે તે માટે કો-ઓપરેટીવ સંસ્થાઓના માધ્યમથી મકાઈની MSP એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને તેમાંથી પેટ્રોલમાં મિશ્રણ માટે ઇથેનોલનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ ભારત સરકારે નાફેડ અને કન્ઝ્યુમર કો-ઓપરેટીવના માધ્યમથી મુખ્ય ચાર દાળની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમૂલના માધ્યમથી આશરે ૩૫ લાખ જેટલી બહેનો આજે માત્ર ૧૦૦ રૂપિયાના નજીવા રોકાણથી વાર્ષિક રૂ. ૭૦૦૦ કરોડનો વેપાર કરી રહી છે, જે સહકારિતાનું ઉત્તમ ઉદાહરણ છે. દેશમાં અંદાજે બે લાખ જેટલી પંચાયતો એવી છે, જે ગામોમાં દૂધ ડેરી અથવા પેક્સ નથી. ભારત સરકાર આગામી સમયમાં આ તમામ ગામો ખાતે મલ્ટીપર્પઝ પેક્સ તૈયાર કરશે.
સહકારી કામમાં એક સૂત્રતા જળવાય તે હેતુથી પેક્સ માટે 'મોડેલ બાય લોઝ' તૈયાર કરવામાં આવ્યા છે. જેના માધ્યમથી ખેડૂતો, રેલવે ટિકિટ, પેટ્રોલ પંપ, સીએનજી પંપ જેવી અનેક નવી પ્રવૃત્તિઓ કરી શકે છે. આજે અંદાજે ૪૮,૦૦૦ જેટલા પેક્સ આ નવા આયામો સાથે જોડાયા છે. આ સિવાય રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ નવી મલ્ટીસ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી તૈયાર કરી છે, તેની સાઈટ પર જઈને પેક્સ સાથે જોડાણ કરી શકાશે. નવીન બાય લોઝના પરિણામે વિવિધ પ્રવૃત્તિઓ માટે કો-ઓપરેટીવ બેંકો સભાસદોને વિવિધ લોન પણ આપી રહી છે.
તેમણે નાબાર્ડ સહિત દેશભરની અન્ય રાજ્ય સહકારી બેન્કોને અનુરોધ કર્યો હતો કે, જિલ્લા સહકારી બેન્કો અને જિલ્લા દૂધ ઉત્પાદક સંઘોને સાથે રાખીને દરેક ડેરી, દરેક પેક્સ અને દરેક સહકારી સંસ્થા તેમનું બેન્ક ખાતું જિલ્લા સહકારી બેન્ક અથવા રાજ્ય સહકારી બેન્કોમાં ખોલાવીને તેમાં મહત્તમ નાણાકીય વ્યવહારો કરે. જેથી સહકારિતા ક્ષેત્ર મજબૂત થશે, બચત પણ વધશે અને સહકારી સંસ્થાઓનો આત્મવિશ્વાસ પણ વધશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી ‘કો-ઓપરેટીવ બિલ્ડ એ બેટર ફ્યુચર ફોર ઓલ’ ના ધ્યેય સાથે થઈ રહી છે. મુખ્યમંત્રીએ પાછલા એક દશકમાં સહકારિતા ક્ષેત્રની જે કાયાપલટ પ્રથમ સહકાર મંત્રી અમિત શાહના દ્રષ્ટિવંત નેતૃત્વમાં થઈ છે તેની પણ છણાવટ કરી હતી. ગુજરાતમાં સહકારી ક્ષેત્રની વિશેષતાઓ જણાવતાં કહ્યું કે, ૮૩ હજારથી વધુ મંડળીઓના ૨ કરોડ ૩૦ લાખથી વધુ સભાસદો સહકારિતાથી ‘સમાન હેતુ, સમાન હિત, સમાન ધ્યેય’ની ભાવનાથી કાર્યરત છે. રાજ્યમાં સહકારી સંસ્થાઓ હવે મેડિકલ કોલેજથી લઈને વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટેના સેવા કાર્યોમાં યોગદાન આપે છે.