મુખ્યમંત્રીએ મન કી બાત કાર્યક્રમ ગાંધીનગરના નાગરિકો અને યુવા કાર્યકરો સાથે બેસીને નિહાળ્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતનો 136મો હપ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના નાગરિકો અને યુવા કાર્યકરો સાથે બેસીને નિહાળ્યો હતો.
ગાંધીનગરના સેક્ટર-1ના મહાકાલેશ્વર મંદિરના હોલમાં મન કી બાત કાર્યક્રમના પ્રસારણની જાહેર નિદર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં મુખ્યમંત્રી પણ સહભાગી થયા હતા અને લોકો વચ્ચે બેસીને આ એપિસોડ જોયો હતો.
આ પ્રસંગે ગાંધીનગર શહેર ભાજપા પ્રમુખ ડૉ. આશિષ દવે, મેયર મીરાબહેન પટેલ, નાગરિક બેંકના ચેરમેન અને મ્યુનિસિપલ કોર્પોરેટર મહેન્દ્ર દાસ તથા શહેર સંગઠન પાંખના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન શિવની પૂજા-અર્ચના પણ આ તકે કરી હતી
પ્રધાનમંત્રીએ આ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવા સાથે પ્રેરણાદાયી પ્રસંગો પણ કહેતા હોય છે. મન કી બાતના આ 136માં હપ્તામાં તેમણે અમદાવાદના ભાડજ વિસ્તારમાં લોકસહભાગિતાથી એક કલાકમાં લાખો રોપાના વાવેતરના વર્લ્ડ રેકોર્ડની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ આવનારી પેઢીને સ્વચ્છ, શુદ્ધ અને હરિયાળું ભવિષ્ય આપવા માટે દરેક નાગરિકને આજે એક એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા પણ પ્રેરણા આપી હતી. તેમણે 26 જુલાઈ કારગિલ વિજય દિવસ અવસરે ભારતીય સેના અને સંરક્ષણ દળોના સાહસ શૌર્ય ને સન્માન પૂર્વક યાદ કર્યા હતા. ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ આગેકૂચ કરી રહ્યું છે તેની પણ વાતો શેર કરી હતી.
પ્રધાનમંત્રીએ રમત ગમત, વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રો માં દેશના યુવાઓની સિદ્ધિઓ ને બિરદાવી હતી.
