મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજનાના નામે વાયરલ મેસેજ તદ્દન ખોટો અને ભ્રામક
Live TV
-
સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ જેવા કે WhatsApp, Facebook અને Instagram પર છેલ્લા કેટલાક દિવસોથી મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામનો એક મેસેજ ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાત સરકાર અનાથ અને એકલ માતા/પિતા ધરાવતા બાળકોને દર મહિને 4,000ની આર્થિક સહાય પૂરી પાડે છે.
જોકે, આ મામલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને નાગરિકોને સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ મેસેજ સંપૂર્ણપણે પાયાવિહોણો, ભ્રામક અને અસત્ય છે.
તંત્ર દ્વારા સત્તાવાર ખુલાસો:
નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને બાલ સુરક્ષા એકમ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવ્યા અનુસાર, ગુજરાત સરકાર દ્વારા હાલના સમયમાં "મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના" નામની કે જેમાં અનાથ બાળકોને માસિક સહાય મળતી હોય, તેવી કોઈ પણ યોજના અમલમાં નથી. સોશિયલ મીડિયા પર ફરી રહેલી આ માહિતી સંપૂર્ણપણે ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે.આ મેસેજ કોઈ અસામાજિક તત્વો દ્વારા છેતરપિંડી કરવાના અથવા સમાજમાં અફવા ફેલાવવાના હેતુથી બનાવવામાં આવ્યો હોવાની પ્રબળ શક્યતા છે.
નાગરિકોને ખાસ અપીલ:
બાલ સુરક્ષા એકમ, નર્મદા દ્વારા જિલ્લાના તમામ નાગરિકો, વાલીઓ અને સંસ્થાઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવી કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન રાખે. આ ઉપરાંત, જવાબદાર નાગરિક તરીકે આવી સત્યવિહોણી અને ખોટી માહિતીને WhatsApp કે Facebook જેવા પ્લેટફોર્મ પર આગળ શેર ન કરવા પણ કડક સૂચના આપવામાં આવી છે. ખોટી માહિતી ફેલાવવાથી સમાજમાં ગેરસમજ અને ભ્રમણા પેદા થાય છે.સાચી માહિતી કેવી રીતે મેળવવી?
તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે કે કોઈપણ સરકારી યોજનાની સત્તાવાર અને સાચી માહિતી મેળવવા માટે માત્ર અધિકૃત સ્ત્રોતો પર જ નિર્ભર રહેવું જોઈએ. નાગરિકોએ સંબંધિત સરકારી કચેરીઓ, જિલ્લા વહીવટી તંત્રની વેબસાઇટ, વિભાગના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ અથવા માહિતી કેન્દ્રો દ્વારા આપવામાં આવેલી માહિતીને જ પ્રમાણભૂત માનવી જોઈએ. અજાણ્યા સ્ત્રોતોમાંથી મળતા મેસેજને ફોરવર્ડ કરતા પહેલા તેની ખરાઈ કરવી અત્યંત આવશ્યક છે.
