મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આઇકોનિક ભુજ બસપોર્ટનું લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 29.21 કરોડના ખર્ચે પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક ભુજ બસપોર્ટનું લોકાર્પણ કરીને નાગરિકોને ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ સમગ્ર કચ્છ જિલ્લાના વિવિધ 18 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છીમાડુઓને રૂ. 266 કરોડથી વધારેના કુલ 18 વિકાસકાર્યોની ભેટ આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ધદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનીને ઊભરી આવ્યું છે. સામાન્ય નાગરિકોના કલ્યાણ માટેની યોજના હોય કે પછી વિશ્વકક્ષાના વિકાસના પ્રોજેક્ટ હોય તે વડાપ્રધાનશ્રીના બે દાયકાના સુશાસના વિકાસનું પરિણામ છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ પરિવહન, પ્રવાસન, પ્રકાશ અને પાણીના સમન્વયનો વિકાસ ઉત્સવ બન્યો છે. મુખ્યમંત્રીએ ભુજને આધુનિક બસપોર્ટ મળ્યું તે વાતની ખુશી સાથે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતા બસપોર્ટ બનાવવાનો વિચાર આપ્યો હતો.
ગુજરાત સરકારે રાજ્યમાં 15 આઈકોનિક બસપોર્ટ બનાવવાનું નક્કી કર્યું છે. હાલમાં રાજ્યમાં 10 બસપોર્ટ કાર્યરત હતા આજે ભુજ ખાતે 11મું બસપોર્ટ કાર્યરત થયું છે. ભુજ બસપોર્ટના લોકાર્પણ થવાથી માત્ર કચ્છ જ નહીં સમગ્ર રાજ્યના પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે.
ધોરડો રણોત્સવ, નર્મદાના નીરનું અવતરણ, રિન્યુએબલ એનર્જી પાર્ક, ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની વિકાસયાત્રામાં કચ્છ હંમેશા સુપર વાઈબ્રન્ટ પાર્ટિસિપન્ટ રહ્યું છે. વોચ ટાવર ઉપર કાયમી લાઈટ અને સાઉન્ડ શૉના ઉદ્ધાટનથી રણોત્સવની શાન અને લોકપ્રિયતામાં વધારો થશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.