મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિમજૂથોના સર્વાંગી વિકાસ માટે મહત્વનો વહિવટી સુધારો
Live TV
-
ગુજરાતના અતિ પછાત અને છેવાડાના આદિમજૂથોના સામાજિક-આર્થિક વિકાસને નવી ગતિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ વહિવટી સુધારો કર્યો છે. મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ બિન-આદિજાતિ ધરાવતા ચાર જિલ્લાઓ—અમદાવાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં હવે યોજનાકીય કામગીરીના સંકલન અને અમલીકરણ માટે આદિજાતિ વિભાગના જ વર્ગ-1ના અધિકારીઓને સભ્ય સચિવ તરીકેની સીધી જવાબદારી સોંપવામાં આવી છે.
પરંપરાગત વિસ્તારો બહાર વસતા સમુદાયોને મળશે નવું બળ
રાજ્યમાં પઢાર (અમદાવાદ અને સુરેન્દ્રનગર) તેમજ સીદી (ગીર સોમનાથ અને જૂનાગઢ) સમુદાયની મોટી વસ્તી પરંપરાગત આદિજાતિ ક્ષેત્રોની બહાર છૂટીછવાઈ વસે છે. અગાઉ આ વિસ્તારોમાં પ્રાયોજના વહીવટદારની અલગ કચેરીઓ ન હોવાથી જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) પાસે આ કામગીરીનો વધારાનો કાર્યભાર રહેતો હતો. નવી વ્યવસ્થા હેઠળ:અમદાવાદ અને સુરેન્દ્રનગર: મદદનીશ કમિશનર (વર્ગ-1), આદિજાતિ વિકાસ, અમદાવાદને સભ્ય સચિવ બનાવાયા છે.
ગીર સોમનાથ અને જૂનાગઢ: મદદનીશ કમિશનર (વર્ગ-1), આદિજાતિ વિકાસ, રાજકોટને સભ્ય સચિવ તરીકેની જવાબદારી સોંપાઈ છે.જૂનાગઢ માટે નવી જિલ્લા કક્ષાની સમિતિ
જૂનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો અલગ થયા બાદ બંને વિસ્તારોમાં સીદી સમુદાયની નોંધપાત્ર વસ્તીને ધ્યાને રાખી જૂનાગઢ માટે અલગ નવી જિલ્લા કક્ષાની સમિતિની રચના કરાશે. નીતિ વિષયક નિર્ણયો, વહીવટી મંજૂરીઓ અને મોનિટરિંગ વર્ગ-૧ના અધિકારી સંભાળશે, જ્યારે બગોદરા અને તાલાલા સ્થિત વર્ગ-2 કક્ષાની કચેરીઓ સ્થાનિક આયોજન, સ્થળ તપાસ, ટેકનિકલ મંજૂરી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવા જેવી 'ગ્રાઉન્ડ લેવલ'ની કામગીરી સુનિશ્ચિત કરશે.સુશાસન અને 'લાસ્ટ માઇલ ડિલિવરી' પર ભાર
પરંપરાગત આદિવાસી જિલ્લાઓમાં પહેલેથી જ પ્રાયોજના વહીવટદાર સમર્પિત રીતે કાર્યરત છે. પરંતુ બિન-આદિવાસી જિલ્લાઓમાં વસતા પઢાર અને સીદી સમુદાય સુધી શિક્ષણ, આવાસ, આરોગ્ય અને રોજગારીની યોજનાઓ વિના વિલંબે પહોંચે તે માટે આ માળખાકીય સુધારો કરવામાં આવ્યો છે.યોગ્ય અધિકારી, સ્પષ્ટ જવાબદારી અને સતત મોનિટરિંગનું આ મોડેલ છેવાડાના નાગરિક સુધી સરકારી લાભો પહોંચાડવામાં નિર્ણાયક સાબિત થશે.
