મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટસિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત સાથોસાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈનોવેશન ચેલેન્જનું પણ લોન્ચિંગ કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં A.I. ક્ષેત્રમાં આ સેન્ટર મહત્વપૂર્ણ થિન્ક ટેન્ક તરીકે ઉભરી આવશે.
રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને માઇક્રોસોફ્ટ વચ્ચે ગિફ્ટ સિટીમાં A.I. સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે જુન-૨૦૨૪માં થયેલા MOUની ફળ શ્રુતિ રૂપે આ સેન્ટર કાર્યરત થયું છે.
આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસીસ અને ચેટ બોટ સર્વિસ જેવી મુખ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોના સફળ પાયલોટ પ્રોજેક્ટ્સનું રોલઆઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે.
એટલું જ નહિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર નાગરિકોને અસરકારક, સમયબદ્ધ સેવા પહોંચાડવા, મૂળભૂત સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપીને અને ઉત્પાદન, હેલ્થકેર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેક્નોલોજીકલ પ્રગતિને વેગ આપીને સરકાર અને ઉદ્યોગ એમ બંને માટે વિસ્તૃત સાથ સહકાર પણ પ્રદાન કરશે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે માત્ર ૭ જ મહિનાના ટૂંકા સમયમાં આ સેન્ટર કાર્યરત થતા વડાપ્રધાનશ્રીની ‘જે કહેવું તે કરવું’ની કાર્યપ્રણાલી થઈ છે તેમ પણ ઉમેર્યું હતું.
આ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ ઈનોવેશન ચેલેન્જનું પણ લોન્ચિંગ કર્યું હતું. એમણે A.I. અને IOT લેડ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશન્સના અર્લી એડોપ્શન માટેના ૧૦ એવોર્ડ્સ MSMEને એનાયત કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફ્યુચરિસ્ટિક વિઝનથી નિર્માણ થયેલા દેશના પ્રથમ ફાઇનાન્સસિયલ ટેકસીટી ‘ગિફ્ટ સિટી’માં સતત નવા ઇનોવેશન ઉમેરી રહ્યા છીએ.
A.I. સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આધારિત વિકાસનું હબ બનાવવાની દિશામાં એક મોટું કદમ છે તેમ પણ મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ ‘યહી સમય હે, સહી સમય હે’ના વડાપ્રધાનશ્રીએ આપેલા ધ્યેય મંત્રને ટેકનોલોજી યુક્ત નવીનતા સભર અભિગમથી વિશ્વ સાથેની સ્પર્ધામાં અગ્રેસર રહીને યુવાશક્તિ સાકાર કરે છે તેની પણ ભૂમિકા આપી હતી.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગિફ્ટમાં ઇનોવેશન હબની શરૂઆત પછી આજે ખૂબ ટૂંકા સમયમાં A.I. સેન્ટર ઓફ એક્સલન્સ નો પ્રારંભ થયો છે. આ સેન્ટર સ્ટાર્ટઅપ્સ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે મહત્વપૂર્ણ સેતુ તરીકે કામ કરશે અને A.I. ટેકનોલોજી સેક્ટરમાં નોલેજ ગેપ પૂર્ણ કરશે.
આ ઉપરાંત નવા સોલ્યુશન્સ બનાવવા માટેના એક્સપર્ટસ, પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટઅપ્સને એક મંચ પર લાવનારી ઇકો સિસ્ટમ પણ ઊભી થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ A.I. ટેકનોલોજી જન જન સુધી પહોંચે તે માટે ‘સબકા સાથ સબકા વિકાસ’ના ધ્યેયને ટેકનોલોજી સાથે જોડીને “A.I. ફોર ઓલ”ના મંત્ર સાથે આગળ વધવાની નેમ રાખી છે એમ શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
આ માટે ઇન્ડિયા A.I. મિશન કાર્યરત થયું છે તથા વડાપ્રધાનશ્રીએ A.I.ને ‘એસ્પિરેશનલ ઈન્ડિયા’ ગણાવી યુવાશક્તિના ટેલેન્ટ પૂલ માટે નવા અવસરો ખોલ્યા છે તેમ પણ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં A.I. દ્વારા આરોગ્ય, કૃષિ, શિક્ષણ અને ઉદ્યોગોના પડકારોના ઉકેલ લાવીને ગુડ ગવર્નન્સ માટે ગુજરાત A.I. ટાસ્ક ફોર્સની રચના સરકારે કરી છે.