મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિદ્યાસભાના '175મા વિદ્યાજ્ઞાન પર્વ'માં હાજરી આપી
Live TV
-
અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના 175મા વિદ્યાજ્ઞાન પર્વમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ પર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા પંચ-પ્રણ પૈકી એક વારસાનું જતન ગુજરાત વિદ્યાસભા કરી રહી છે. ગુજરાતી તરીકે આપણને સૌને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ. ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટે ગુજરાત વિદ્યાસભાના દરેક પ્રયાસમાં સરકાર સહભાગી બનવા તૈયાર છે, તેવી ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી.
ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવાની સરકારની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે માતૃભાષા ગુજરાતીને શિક્ષણમાં પ્રાથમિકતા આપવા માટે ધો.1થી 8માં ગુજરાતી શિક્ષણ ફરજીયાત બનાવ્યું છે.
વાઇબ્રન્ટ ગુજરાતને પગલે કરેલા વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે, વિદેશી ઉદ્યોગકારો રોકાણકારો ભારત સાથે આર્થિક સંબંધો સ્થાપવા ઉત્સુક છે. અને રોકાણ માટે ભારતમાં પણ ગુજરાત પહેલી પસંદ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
1848માં એલેક્ઝાન્ડર કીન્લોક ફોર્બ્સ અને કવિ દલપતરામ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. જે પછીથી ગુજરાત વિદ્યાસભા તરીકે વિખ્યાત બની. જેના પ્રારંભથી લઈને વર્તમાન સુધીની યાત્રાના દસ્તાવરજીકરણને દર્શાવતી પુસ્તિકા 'ગુજરાત વિદ્યાસભાની અવિરત યાત્રા'નું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.